નવી દિલ્હીના જંતર-મંતર પર શુક્રવારે હજારો પ્રદર્શનકારીઓએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના ઈક્વિટી નિયમો અને જાતિ આધારિત અનામત વ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમાં બેનરો, પોસ્ટરો અને ભગવા ઝંડા લઈને પહોંચેલા આ પ્રદર્શનકારીઓએ અનામત વ્યવસ્થામાં સુધારાની સાથે SC/ST એક્ટને પાછળ ખેંચવાની અથવા તેના દુરુપયોગને રોકવા માટે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓનો મુખ્ય સૂર એ હતો કે અનામતનો આધાર જાતિ નહીં પરંતુ આર્થિક સ્થિતિ હોવો જોઈએ, જેથી ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સરકારી મદદ, શિક્ષણ, સ્કોલરશિપ અને કોચિંગની સુવિધાઓ પહોંચી શકે. 

https://twitter.com/ANI/status/2090809420322324936



લોકોએ શાંતિપૂર્ણ રીતે હનુમાન ચાલીસાના પાઠ કર્યા

પ્રદર્શનમાં સામેલ ‘અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા’ અને ‘ભારતીય કિસાન પરિષદ’ના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અનામત લાગુ થયાને દાયકાઓ વીતી ગયા છે, તેથી બદલાયેલી સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેની સમીક્ષા કરવી જરૂરી છે. આ ઉપરાંત અનામતમાં ‘ક્રીમી લેયર’નો નિયમ લાગુ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. યુજીસીના નવા ઈક્વિટી નિયમોને લઈને વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ વચ્ચે ભેદભાવ વધતો હોવાનો આક્ષેપ કરીને આ નિયમો પાછા ખેંચવાની માંગ કરાઈ હતી. પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ શાંતિપૂર્ણ રીતે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને 'સિયા વર રામચંદ્ર કી જય'ના નારા લગાવ્યા હતા.

અનામતમાં સુધારા અને યુજીસીના નિયમો સામેનો વિરોધ

દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે દિલ્હી પોલીસ સાથે આરએએફ (RAF) અને આઈટીબીપી (ITBP)ના જવાનોને તૈનાત કર્યા હતા.નોંધનીય છે કે, અનામતમાં સુધારા અને યુજીસીના નિયમો સામેનો આ વિરોધ હવે સોશિયલ મીડિયામાંથી બહાર આવીને રસ્તાઓ સુધી પહોંચ્યો છે. આ પહેલા નાગપુર, લખનૌ, જયપુર અને વિશાખાપટ્ટનમમાં પણ આવા પ્રદર્શનો થઈ ચૂક્યા છે, જ્યારે રાજસ્થાનમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આ મુદ્દે 800 કિલોમીટરની પદયાત્રા પણ કાઢવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓ પર વહેલી તકે સકારાત્મક નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ વ્યાપક બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ઓનલાઈન ગેમિંગ ફ્રોડ મામલે EDનું 12 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડોની મિલકતો જપ્ત