પોલીસ મુખ્યાલયમાં મૃત હાલતમાં મળી આવેલા IPS અધિકારી અનુરાગ ધનખડ તેમની ઉત્તમ તપાસ કુશળતા માટે જાણીતા હતા. 

પોલીસ બેડામાં શોકનો માહોલ 

ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક અનુરાગ ધનખડ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે તે કથિત આત્મહત્યાનો કેસ હતો. આ ઘટનાએ પોલીસ વિભાગ અને વહીવટી વર્તુળોમાં શોકની લહેર ફેલાવી દીધી છે. અનુરાગ ધનખડ માત્ર એક વરિષ્ઠ પોલીસ અધિકારી જ નહીં પરંતુ દેશના હાઇ-પ્રોફાઇલ કેસોની તપાસ કરનારા અનુભવી IPS અધિકારીઓમાં પણ ગણાતા હતા. 

મે 2025માં ત્રિપુરાના ડીજીપી બન્યા

અનુરાગ ધનખરે 17 મે 2025ના રોજ ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશકનું પદ સંભાળ્યું હતુ, આ પહેલા, તેમણે રાજ્યમાં પોલીસ મહાનિર્દેશક (ગુપ્તચર) તરીકે સેવા આપી હતી. 1 જાન્યુઆરી 2024થી તેમણે વધારાના પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા)ની જવાબદારી પણ સંભાળી હતી. તત્કાલીન ડીજીપી અમિતાભ રંજનની નિવૃત્તિ પછી તેમની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યપાલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સાથે પરામર્શ કર્યા પછી તેમના નામાંકનને મંજૂરી આપી હતી.

કોણ હતા આઈપીએસ અધિકારી અનુરાગ ધનખડ ?

અનુરાગ ધનખડ 1994 બેચના ત્રિપુરા કેડરના IPS અધિકારી હતા. UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા દ્વારા તેમની IPS માટે પસંદગી થઈ હતી. તેઓ તેમના તીક્ષ્ણ-શાંત સ્વભાવ અને ઉત્તમ તપાસ માટે જાણીતા હતા. તેમને પોલીસિંગ, ગુપ્તચર અને મોટા આર્થિક ગુનાઓની તપાસમાં વ્યાપક અનુભવ હતો. અનુરાગ મૂળ હરિયાણાના હતા. સામાન્ય પરિવારમાંથી આવતા, તેમણે દેશની સૌથી પ્રતિષ્ઠિત પોલીસ સેવાઓમાં પ્રવેશ કર્યો અને લગભગ ત્રણ દાયકા સુધી પોલીસ સેવામાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી. તેમણે મૈસુરની CFTRIમાંથી ફૂડ ટેકનોલોજીમાં અનુસ્નાતક પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી પોલીસ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેમણે હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોમાંથી સાયબર ક્રાઇમમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પણ મેળવ્યો હતો. 

અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા

અનુરાગ ધનખડનો ત્રિપુરા સાથે લાંબો સંબંધ છે. 1995થી2003 સુધી તેમણે રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમણે લોંગથરાઈ ખીણમાં સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર તરીકે સેવા આપી હતી. તેમણે અવિભાજિત પશ્ચિમ અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાઓના પોલીસ અધિક્ષક તરીકે પણ સેવા આપી હતી. તેમણે સ્પેશિયલ બ્રાન્ચના SP અને AIGPના હોદ્દા પણ સંભાળ્યા હતા. બાદમાં, 2013 થી 2016 સુધી, તેમણે ત્રિપુરામાં IG તરીકે સેવા આપી હતી. 2003 થી 2004 દરમિયાન, અનુરાગ ધનખડ UN કોસોવો મિશનનો પણ ભાગ હતા. આ તેમના આંતરરાષ્ટ્રીય પોલીસ અનુભવમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ માનવામાં આવે છે.

સૌથી વધુ નોંધપાત્ર કાર્યકાળ 

અનુરાગનો સૌથી વધુ નોંધપાત્ર કાર્યકાળ CBI સાથે રહ્યો હતો. તેમણે 2005 થી 2013 અને ફરીથી 2016 થી 2023 સુધી કેન્દ્રીય ડેપ્યુટેશન પર સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે SP, DIG, જોઈન્ટ ડિરેક્ટર અને એડિશનલ ડિરેક્ટર જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમની સૌથી નોંધપાત્ર તપાસમાં નીરવ મોદી-પંજાબ નેશનલ બેંક કૌભાંડનો સમાવેશ થાય છે. તેમણે કરોડો રૂપિયાના આ હાઇ-પ્રોફાઇલ બેંક કૌભાંડની તપાસનું નેતૃત્વ કર્યું હતુ. તેમણે 1984ના શીખ રમખાણોની SITના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

તપાસ ઉકેલમાં સૌથી આગળ 

અનુરાગ ધનખડ IPS અધિકારી તરીકે જાણીતા હતા જેમણે અત્યંત વ્યાવસાયિકતા સાથે સંવેદનશીલ અને જટિલ કેસોની તપાસ કરી હતી. તેમને કાયદો અને વ્યવસ્થા, ગુપ્તચર, આર્થિક ગુનાઓ અને વિશેષ તપાસ જેવા ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ હતો. ત્રિપુરામાં, તેમણે કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા અને આધુનિક પોલીસિંગને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં પણ લીધા હતા.

આ પણ વાંચોઃ ઈરાની હુમલાઓથી અમેરિકા હચમચ્યુ, ડોનાલ્ડ ટ્ર્મ્પે કતારથી વિમાનો ઈઝરાયલ કર્યા શિફ્ટ