કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સંસદમાં વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ સાથે તેઓ સતત નવમી વાર બજેટ રજૂ કરનાર ભારતના પ્રથમ નાણામંત્રી બનશે. વર્ષ 2019થી શરૂ થયેલી તેમની બજેટ યાત્રા ભારતીય રાજકીય અને આર્થિક ઇતિહાસમાં એક વિશેષ સ્થાન ધરાવે છે, જેમાં એક રસપ્રદ સંયોગ પણ ચર્ચાનો વિષય બન્યો છે, બજેટના દિવસે તેમની સાડી.


નિર્મલા સીતારમણની સાડી અને બજેટ

નિર્મલા સીતારમણ દર વર્ષે બજેટ રજૂ કરતી વખતે દેશના અલગ-અલગ રાજ્યોની હસ્તકલા અથવા પરંપરાગત સાડી પહેરે છે. વર્ષ 2019માં તેમણે આંધ્ર પ્રદેશની મંગલગીરી સાડી પહેરી હતી. ત્યારબાદ 2020માં તમિલનાડુની કાંચીપુરમ સાડી, 2021માં પશ્ચિમ બંગાળની લાલ-સફેદ બોર્ડરવાળી સાડી, 2022માં કર્ણાટકની ઈલકલ સાડી, 2023માં કર્ણાટકની કસૂતી વર્કવાળી સાડી અને 2024માં મણિપુરની પરંપરાગત સાડી પહેરી હતી. 2025માં પણ તેમણે હસ્તકલા આધારિત ભારતીય સાડી પસંદ કરી હતી.

સાડીઓમાં છુપાયેલો બજેટ સંદેશ

રસપ્રદ વાત એ છે કે ઘણા લોકોનું માનવું છે કે જે રાજ્યની સાડી નાણામંત્રી બજેટના દિવસે પહેરે છે, તે રાજ્યને તે વર્ષે કોઈને કોઈ રીતે કેન્દ્ર સરકાર તરફથી ખાસ યોજનાઓ, ફાળવણી અથવા પ્રોજેક્ટ્સ રૂપે ભેટ મળે છે. જો કે આને સત્તાવાર રીતે કોઈ નીતિ કે નિર્ણય સાથે જોડવામાં આવ્યો નથી અને તેને માત્ર એક સંયોગ તરીકે જ જોવામાં આવે છે. તેમ છતાં, આ ટ્રેન્ડએ લોકોમાં ઉત્સુકતા જગાવી છે. હવે વર્ષ 2026-27ના બજેટમાં નાણામંત્રી કઈ રાજ્યની સાડી પહેરે છે અને શું તે રાજ્ય માટે બજેટમાં કોઈ ખાસ જાહેરાત થાય છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે. સંયોગ હોય કે પ્રતીકાત્મક સંદેશ નિર્મલા સીતારમણની સાડી હવે માત્ર વસ્ત્ર નહીં, પરંતુ બજેટ દિવસની એક ઓળખ બની ગઈ છે.

આ પણ વાંચો- Union Budget 2026: 9મી વખત રજૂ કરશે બજેટ, જુઓ નિર્મલા સીતારમણનો સાડી લુક

  • Follow us on: