ઉત્તર પ્રદેશમાં આગામી રાજકીય સમીકરણો અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને BJP દ્વારા રણનીતિ ઘડવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશના પવિત્ર અને ઐતિહાસિક શહેર મથુરા ખાતે ભાજપનું મહત્વપૂર્ણ 'ચિંતન શિબિર' યોજાઈ રહ્યું છે. આ ઉચ્ચસ્તરીય બેઠકનો આજે બીજો દિવસ છે, જેમાં પાર્ટીના આગામી રાજકીય એજન્ડા, સંગઠનાત્મક મજબૂતી અને ચૂંટણી જીતવા માટેના અમોધ મંત્રો પર ગહન ચિંતન અને મંથન ચાલી રહ્યું છે.

વિશેષ શિબિરમાં યોગી આદિત્યનાથ ઉપસ્થિત

મથુરામાં ચાલી રહેલા આ વિશેષ શિબિરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત પાર્ટીના પ્રભારી, સહ-પ્રભારી, સંગઠન મહાસંત્રીઓ અને કેબિનેટના મંત્રીઓ સહિત ઉત્તર પ્રદેશ ભાજપના આશરે 40 જેટલા દિગ્ગજ અને શીર્ષ નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આ બેઠકનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આજે કેન્દ્રીય અને પ્રદેશના અગ્રણી નેતા નીતિન નવીન પણ આ શિબિરમાં ખાસ ઉપસ્થિતિ નોંધાવવાના છે અને તેમની હાજરીમાં ચૂંટણીની રણનીતિને વધુ ધારદાર બનાવવામાં આવશે.

આજે બીજા દિવસે રોડમેપ તૈયાર કરાશે

ચિંતન શિબિરના પ્રથમ દિવસની ચર્ચાઓ બાદ આજે બીજા દિવસે મુખ્યત્વે આગામી ચૂંટણી માટે વિગતવાર રોડમેપ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. બેઠક દરમિયાન સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ જનતા સુધી કેટલી અસરકારક રીતે પહોંચી છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે, તેમજ વિપક્ષના પડકારોનો સામનો કરવા માટે કઈ નવી રણનીતિ અપનાવવી જોઈએ તે અંગે પણ વિસ્તૃત ચર્ચા ચાલી રહી છે. ભાજપનું આ શિબિર આગામી સમયમાં સંગઠનમાં સંકલન વધારવા અને પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

વિપક્ષ સામે લોકપ્રિયતા જાળવી રાખવા મહત્વની ભૂમિકા

રાજકીય વિશ્લેષકોના મતે, ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા મથુરામાં યોજાયેલી આ બેઠક ભાજપની મજબૂત ચૂંટણી તૈયારીઓનો એક સ્પષ્ટ સંકેત છે. વિપક્ષી પાર્ટીઓ સામે લોકપ્રિયતા જાળવી રાખવા અને જમીની સ્તરે સંગઠનને વધુ સઘન બનાવવા માટે આ શિબિરમાં લેવાયેલા નિર્ણયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બેઠકનું સત્ર પૂરું થયા બાદ પક્ષ દ્વારા આગામી ચૂંટણી અભિયાનની સત્તાવાર રૂપરેખા પણ જાહેર કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે.

આ પણ વાંચોઃ Indonesia માં 6.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું જોખમ ટળ્યું