અમેઠી ખાતે આયોજિત એક રાજકીય કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીને ભારે મોટો ફટકો પડ્યો છે. આ કાર્યક્રમમાં સપાના અગ્રણી નેતાઓ અભય સિંહ, રાકેશ પ્રતાપ સિંહ અને વિનોદ ચતુર્વેદીએ એકસાથે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું હતું.

સપાનો સાથે છોડીને જોડાયા ભાજપમાં 

 આ પ્રસંગે ભાજપના નેતા સ્મૃતિ ઈરાની અને પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ત્રણેય નેતાઓનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. સપામાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા બાદ અભય સિંહે જાહેર સભાને સંબોધિત કરી હતી. તેમણે પોતાના સંબોધનની શરૂઆત ઉત્સાહપૂર્વક ‘ભારત માતા કી જય’ના નારા સાથે કરી હતી અને ત્યારબાદ સમાજવાદી પાર્ટી છોડવા પાછળનાં મૂળ કારણો અંગે વિગતવાર ખુલાસા કર્યા હતા.

સપાનું વર્તન સનાતન વિરોધી - અભય સિંહ 

 અભય સિંહે સપા પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પક્ષનું સમગ્ર આચરણ સનાતન વિરોધી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે સમાજવાદી પાર્ટીમાં રામચરિતમાનસને ફાડવા જેવું કામ કરવામાં આવ્યું હતું અને લાગણીઓને ભારે ઠેસ પહોંચી હતી તેમ જણાવ્યું હતું.

પોતાના વક્તવ્યને આગળ ધપાવતાં અભય સિંહે સરકારી ભરતીઓ અને નોકરીઓમાં થતા ભેદભાવનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે સમાજવાદી પાર્ટીના શાસનમાં જ્યારે પણ કોઈપણ સરકારી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી, ત્યારે જાણીજોઈને માત્ર એક જ તરફના લોકોને નોકરીઓ આપવામાં આવતી હતી. તે સમયગાળા દરમિયાન લાયકાતને બદલે માત્ર ચાપલૂસી કરનારા લોકોને જ નોકરી મળતી હતી અને તેમને જ આગળ વધારવામાં આવતા હતા. 

આજે કોઇ નાગરિક સાથે ભેદભાવ નથી- અભય સિંહ 

તેમણે ભૂતકાળના સપા શાસન અને વર્તમાન વ્યવસ્થાની સરખામણી કરતાં સ્પષ્ટતા કરી કે આજે કોઈ પણ નાગરિક સાથે કોઈ પ્રકારનો ભેદભાવ નથી. ભરતી કૌભાંડો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે અગાઉ જે પણ કૌભાંડો થયાં હતાં, તે તમામમાં સંડોવાયેલા લોકોની હવે ધરપકડ થઈ રહી છે અને પગલાં લેવાઈ રહ્યાં છે. આ સાથે જ અભય સિંહે રાજ્યસભા ચૂંટણીનો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે સપાએ ચોક્કસ લોકોને જ આગળ રાખ્યા જ્યારે તેની તુલનામાં ભાજપે બધા દળોને સમાન રીતે આગળ રાખ્યા છે.

https://x.com/ANI/status/2110292927398416664?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2110292927398416664%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

દિલ્હીમાં ચાલતુ આંદોલન વિદેશી ફંડિંગ મેળવવાનો ઉદ્દેશ્ય 

રાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાત કરતાં અભય સિંહે દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન સામે પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે માત્ર વિદેશી ફંડિંગ મેળવવાના હેતુથી જ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમણે વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણી અને અયોધ્યા બેઠક અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. અભય સિંહે આક્ષેપ કર્યો કે વર્ષ 2024માં અયોધ્યાની ભોળીભાળી જનતાને ગેરમાર્ગે દોરીને સાંસદ બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અયોધ્યાની જનતા આગામી ચૂંટણીમાં આ વાતનો જવાબ લાખો વોટથી આપશે. ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ મંચ પરથી આ તમામ વાતો રજૂ કર્યા પછી તેમણે ‘જય શ્રી રામ’ના નારા સાથે પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું. આ રીતે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં ત્રણેય અગ્રણી નેતાઓનું ભાજપમાં જોડાણ રાજકીય દ્રષ્ટિએ ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.