ઘટના સમયે બસમાં 40 મુસાફર સવાર હતા. ગોળીબારના અવાજથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ તમામનો આબાદ બચાવ કરાયો છે.
બસ ડ્રાઇવરની સુઝબુઝને સલામ
હમીરપુરમાં ધોળા દિવસે રોડવેઝ બસ પર ગોળીબાર કરવાની ઘટના સામે આવી છે. બાઇક પર આવેલા બદમાશોએ લગભગ 20 કિલોમીટર સુધી રોડવેઝ બસનો પીછો કર્યો અને રસ્તામાં તેના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. અચાનક ગોળીબારથી સવાર લગભગ 40 મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો. પોતાનો જીવ બચાવવા માટે, મુસાફરો પોતાની સીટ છોડીને જમીન પર સૂઈ ગયા હતા. બસ ડ્રાઇવરે હિંમત સાથે બસ ચાલુ જ રાખી હતી. અને તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી.
બસ ડેપોથી કરાયો હતો પીછો
આ ઘટના રથ કોતવાલી વિસ્તારમાં બની હતી. અહેવાલો અનુસાર, કેટલાક નશામાં ધૂત મુસાફરો રથ ડેપોથી લખનૌ જતી રોડવેઝ બસમાં ચઢ્યા હતા. તેઓ કોઈ વાતને લઈને અન્ય મુસાફરો સાથે બોલાચાલીમાં ઉતર્યા હતા. દલીલ ઝડપથી શારીરિક ઝઘડામાં ફેરવાયો હતો. ઝઘડો કરનારા માણસો પછી નીચે ઉતરી ગયા. એવો આરોપ છે કે બસ ડેપોમાંથી નીકળતી વખતે, બાઇક પર સવાર ત્રણ યુવાનોએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતુ.
પોલીસ સ્ટેશનની સામે બસ રોકાઈ
સતત પીછો અને ગોળીબાર બાદ, ડ્રાઇવરે આખરે પોલીસ સ્ટેશનની સામે બસ રોકી દીધી. મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. ઘટનાની માહિતી મળતાં, પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ કરી રહી છે. સીઓ સરીલા શાહરૂખ ખાનના જણાવ્યા અનુસાર, રથ ડેપો બસ પર ગોળીબાર થયો હોવાની જાણ થઈ હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ઘટનામાં કોઈ મુસાફરો ઘાયલ થયાના અહેવાલ નથી.
આ પણ વાંચોઃ 80 વર્ષ બાદ પણ ચીનની ધરતી નીચે દબાયેલો છે જાપાનનો ઝેરી દારૂગોળો
