ઉત્તર પ્રદેશના મથુરા-વૃંદાવનમાં વિવાદાસ્પદ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે.ગોવર્ધન ચોકડી પાસે હાઈવે અને FCI ગોડાઉન નજીક લગાવવામાં આવેલા આ હોર્ડિંગ્સમાં સમાજવાદી પાર્ટી (SP)ના સ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને એક ધર્મ વિશેષની ટોપી પહેરેલા દર્શાવવામાં આવ્યા છે.આ સાથે જ હોર્ડિંગ પર "દિલમાં બાબર, મુખમાં રામ..."જેવા આપત્તિજનક નારા પણ લખવામાં આવ્યા હતા.જેને લઈને સ્થાનિક લોકોની નજર આ હોર્ડિંગ્સ પર પડતા જ તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા હતા.

સપા કાર્યકર્તાઓમાં ભારે રોષ, પોલીસે હોર્ડિંગ્સ હટાવ્યા

આ ઘટનાની જાણ થતાં જ સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. કાર્યકરોએ તેને પાર્ટીની છબી ખરડાવવાનું અને જાણીજોઈને રાજકીય માહોલ બગાડવાનું ષડયંત્ર ગણાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મામલો બિચકે તે પહેલા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ગોવર્ધન ચોકડી તથા FCI પાસે લાગેલા બંને વિવાદાસ્પદ હોર્ડિંગ્સને તાત્કાલિક અસરથી હટાવી દીધા હતા.

અગાઉ અયોધ્યા-બારાબંકીમાં પણ લાગ્યા હતા આવા પોસ્ટર

પ્રાથમિક માહિતી મુજબ, સોમવારે મોડી રાત્રે અંધારાનો લાભ લઈને કોઈ અજાણ્યા તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની આશંકા છે. આ મામલે સપાના જિલ્લા પ્રમુખ વીરેન્દ્ર યાદવે ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે,એક સુઆયોજિત ષડયંત્ર હેઠળ સમાજવાદી પાર્ટી અને તેના ટોચના નેતૃત્વને બદનામ કરવાનો આ પ્રયાસ છે. લોકશાહીમાં રાજકીય મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ આ પ્રકારની આપત્તિજનક હરકતો સામાજિક સૌહાર્દ અને લોકતાંત્રિક મર્યાદાઓની વિરુદ્ધ છે.નોંધનીય છે કે, મથુરા પહેલા ઉત્તર પ્રદેશના અયોધ્યા અને બારાબંકી જિલ્લામાં પણ બરાબર આવા જ વિવાદાસ્પદ પોસ્ટરો જોવા મળ્યા હતા. હાલ મથુરા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Waqf Properties : વકફ સંપત્તિની તપાસ થાય તો રામ મંદિર દાન મામલો ભૂલી જશો, મૌલાના શહાબુદ્દીનના આક્ષેપ