ઉત્તર પ્રદેશના કરોડો નાગરિકો માટે રાજ્ય સરકાર તરફથી એક ખુબ જ આશ્વાસન આપનારા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે પાત્ર પરિવારોને મફત રાશનની સાથે સાથે વધુ ઉત્તમ આરોગ્ય સુરક્ષા આપવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને 'પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના' સાથે જોડવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારના આ ક્રાંતિકારી પગલાથી રાજ્યના અંદાજે 14.61 કરોડ લોકોને સીધો અને મોટો ફાયદો થશે.

14.61 કરોડ લોકોને ₹5 લાખ સુધીની કેશલેસ સારવાર

વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશમાં લાલ (અંત્યોદય) અને સફેદ (પાત્ર ઘરગથ્થુ) એમ બંને મળીને કુલ ૩.૬૩ કરોડ રેશનકાર્ડ છે, જેનાથી 14.61 કરોડથી વધુ લોકો આવરી લેવાયેલા છે. નવી સિસ્ટમ અમલમાં આવતાંની સાથે જ આ તમામ રેશનકાર્ડ ધારકો આયુષ્માન કાર્ડ મેળવવા માટે પાત્ર બની જશે. આ યોજના હેઠળ લાભાર્થી પરિવારો કોઈપણ સૂચિબદ્ધ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પ્રતિ વર્ષ ₹5 લાખ સુધીની મફત અને કેશલેસ ઈલાજની સુવિધા મેળવી શકશે.

સરકારી કર્મચારીઓ માટે નિયમો અને શરતો

સરકાર આ યોજનાના પારદર્શક અને સુચારુ અમલીકરણ માટે તમામ તકનીકી પાસાઓ પર ગંભીરતાથી કામ કરી રહી છે. જે પરિવારોના સભ્યો સરકારી નોકરીમાં ફરજ બજાવે છે અને પોતાના વિભાગોમાંથી અગાઉથી જ આરોગ્ય વીમો કે કેશલેસ તબીબી સુવિધાઓ મેળવી રહ્યા છે, તેમને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવી શકે છે જેથી જરૂરિયાતમંદ લોકોને જ તેનો વાસ્તવિક લાભ મળી શકે.

સરકારી ખજાના પર બજેટનો બોજ વધશે

રેશનકાર્ડ ધારકોને આયુષ્માન યોજનામાં સામેલ કરવાથી રાજ્ય સરકાર પર નાણાકીય બોજ વધશે. હાલમાં ઉત્તર પ્રદેશ સરકાર આયુષ્માન યોજના પર વાર્ષિક આશરે ₹6,000 થી ₹9,000 કરોડનો ખર્ચ કરે છે, જે તમામ રેશનકાર્ડ ધારકોના સમાવેશ બાદ વધીને વાર્ષિક ₹15,000 કરોડ થવાની સંભાવના છે.

રાજ્ય સરકાર આગામી પૂરક બજેટ અથવા વિધાનસભા સત્રમાં આ માટે વધારાના ભંડોળની ફાળવણી કરી શકે છે. બજેટની ફાળવણી અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ સરકાર યોજના લાગુ કરવાની સત્તાવાર તારીખ જાહેર કરશે.
આ પણ વાંચોઃ Gurugram Blackout: ગુરૂગ્રામમાં કેમ અડધી રાતથી જ છવાયો અંધારપટ, 7 કલાકમાં 5,500 આવી ફરિયાદો