ઉત્તર પ્રદેશમાં ચોમાસાની સક્રિયતા યથાવત છે, જેના પરિણામે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. એક તરફ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં લોકો હજુ પણ બફારા અને ભેજવાળી ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યના ૩૩ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી અને ચેતવણી જારી કરી છે.

સીતાપુરમાં શાળાઓમાં રજા જાહેર

રાજધાની લખનૌ અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને વરસાદ અવિરત વરસી રહ્યો છે. સીતાપુરમાં રાત્રે 1 વાગ્યાથી સતત અને ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદની ગંભીરતા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સીતાપુરના જિલ્લા મેજિસ્ટ્રેટે ધોરણ ૮ સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. તમામ શાળા સંચાલકોને આ આદેશનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. પ્રયાગરાજ, વારાણસી અને અયોધ્યામાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, અને દિવસભર વરસાદ ચાલુ રહેવાની પ્રબળ સંભાવના છે.

ચોમાસાની સક્રિયતાનું મુખ્ય કાર

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વરસાદના આ નવા રાઉન્ડ પાછળ એક ભૌગોલિક પરિબળ જવાબદાર છે.ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ પર સર્જાયેલા 'ઓછા દબાણ' (Low Pressure) વાળા વિસ્તારને કારણે ઉત્તર પ્રદેશમાં મોસમી ગતિવિધિઓ તેજ બની છે.આ સિસ્ટમની સૌથી વધુ અસર બુંદેલખંડ, વિંધ્ય અને રાજ્યના મધ્ય ભાગોમાં જોવા મળી રહી છે, જ્યાં વાદળોની ભારે હિલચાલ સાથે નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે. જોકે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તેની અસર સાધારણ છે, જ્યાં માત્ર છૂટોછવાયો કે મધ્યમ વરસાદ નોંધાયો છે.

16 જિલ્લાઓમાં 'ભારે વરસાદ'નું એલર્ટ

હવામાન વિભાગે નીચે મુજબના ૧૬ જિલ્લાઓમાં ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે અતિભારે વરસાદની ચેતવણી (એલર્ટ) આપી છે,પ્રયાગરાજ, મિર્ઝાપુર, સોનભદ્ર, પ્રતાપગઢ, કૌશાંબી, ચિત્રકૂટ, બાંદા, ફતેહપુર, રાયબરેલી, ઉન્નાવ, કાનપુર, હમીરપુર, જાલૌન, મહોબા, ઝાંસી અને લલિતપુર

અન્ય વિસ્તારો માટે આગાહી

આ ઉપરાંત રાયબરેલી, અમેઠી, અયોધ્યા, ગોરખપુર, વારાણસી, સુલતાનપુર, બસ્તી અને દેવરિયા સહિતના અનેક વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા, લખનૌ, બારાબંકી, હરદોઈ અને મૈનપુરી જેવા વિસ્તારોમાં સવારથી જ આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ત્યાં હળવા ઝાપટાં પડી શકે છે.

આ પણ વાંચોઃ Nepal Flood : વિનાશક પૂર અને આફતોમાં મજબૂત પુલ કેમ તૂટી જાય છે?