ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં શનિવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. અહરૌરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગૌતીદેઈ ખાતે આવેલા એસએસ રંજન સ્ટોન પ્લાન્ટમાં બ્લાસ્ટિંગ દરમિયાન થયેલા કંપનને કારણે ક્રશર પ્લાન્ટની ઓફિસ સહિત અન્ય બાંધકામો અચાનક ધરાશાયી થઈ ગયા હતા. આ દરમિયાન ત્યાં કામ કરી રહેલા ચાર મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા

અકસ્માત બાદ પ્લાન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પ્લાન્ટના સંચાલક અને કર્મચારીઓએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જેસીબીની મદદથી કાટમાળ હટાવી ચારેય મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે વારાણસીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા.

પ્લાન્ટનો એક ભાગ ધરાશાયી થયો

મૃતકોની ઓળખ સોનભદ્ર જિલ્લાના જુગૈલ પોલીસ સ્ટેશન વિસ્તારના બડગાંવા ગામના રહેવાસી લાલ બહાદુર, અશોક, રાકેશ અને દુર્યોધન તરીકે થઈ છે. ચારેય મજૂરો દરરોજની જેમ પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન બ્લાસ્ટિંગ થતાં તેના કંપનથી પ્લાન્ટનો એક ભાગ ધરાશાયી થયો હતો અને તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ચુનાર એસડીએમ અનીગ સિંહ, તહસીલદાર ઈવેન્દ્ર કુમાર, ક્ષેત્રાધિકારી મોહમ્મદ ફહીમ અને અહરૌરા પોલીસ સ્ટેશનના પ્રભારી અજય કુમાર મિશ્રા પોલીસ દળ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.

કાટમાળ હટાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું

અન્ય કોઈ મજૂર કાટમાળ નીચે દટાયો છે કે નહીં તેની આશંકાને પગલે જેસીબી અને પોકલેન્ડ મશીનોની મદદથી સમગ્ર કાટમાળ હટાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પ્રશાસનના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં બ્લાસ્ટિંગના કંપનને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને પ્લાન્ટમાં સુરક્ષા માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે કોઈ દોષી જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવાની અધિકારીઓએ વાત કરી છે.

આ પણ વાંચો : Delhi : PM મોદીએ મેટ્રોમાં કરી મુસાફરી, બાળકો સાથે કરી વાતચીત