ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ધરાલી અને સુક્કી ટોપ વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે અનેક ઘરો પાણીના પ્રવાહમાં વહી ગયા. જાણવા મળતી માહિતી પ્રમાણે 200થી પણ વધુ લોકો ગુમ છે. જેમાં 4 લોકોના મોત નીપજ્યાની માહિતી મળી રહી છે. ગુમ લોકોની શોધખોળ હાલ રેસ્ક્યુ ટીમ કરી રહી છે. આ પહેલાં પણ અહિંયા 9 એવી ઘટનાઓ ઘટી ચૂકી છે જે અનેક વિપત્તિઓ લઇને આવી હતી. અનેક લોકોના મોત પણ નીપજ્યા હતા.

ઉત્તરકાશીમાં 4 લોકોના મોત
5 ઓગસ્ટે ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના ઘટી. જેમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. બાકી 200 લોકો હજુ પણ ગુમ છે. તેમની શોધખોળ હાલ ચાલુ છે. ગઇ કાલે આવેલાં કુદરતાન કહેરથી ધરાલી ગામની સાથે સાથે મલબામાં હોટલ, ઘર અને દુકનો પણ વહી ગઇ. ગુમ થયેલા લોકોમાં 9 સેનાના જવાન પણ સામેલ છે.

જૂનમાં પણ ફાટ્યુ હતુ વાદળ
જૂન 2025માં પણ ઉત્તરકાશીના યમુનોત્રી હાઇવે પર અતિવૃષ્ટિ થઈ હતી. જ્યાં પાણી આવ્યું ત્યાં એક હોટલનું નિર્માણ ચાલી રહ્યું હતું, જેમાં કેટલાક મજૂરો કામ કરતા હતા. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને બાકીના મજૂરો હજુ પણ ગુમ છે.

ઑગસ્ટ 2024માં રુદ્રપ્રયાગમાં તબાહી
ગયા વર્ષે ઑગસ્ટમાં કેદારનાથ ઘાટીના રુદ્રપ્રયાગ જિલ્લામાં પણ અતિવૃષ્ટિ થઈ હતી. જેમાં લગભગ 11 લોકોના મોત થયા હતા. કેટલાક મૃતદેહ બચાવ કર્મચારીને મલબામાંથી મળ્યા હતા. તે સમયે વરસાદ પછી નદીઓમાં ભારે પૂર આવ્યું હતું, જેને લીધે તીર્થયાત્રા પર પણ અસર પડી હતી.

1998માં કુદરતે બતાવ્યું હતું ભયાનક તાંડવ
1998માં પણ ઑગસ્ટ મહિને માલપા પિથૌરાગઢ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, આ આપત્તિમાં લગભગ 221 લોકોના મોત થયા હતા. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયુ હતુ.અને આખું ગામ તેની નીચે દટાઇ ગયુ હતુ. આ જ ઘટનામાં ભારતીય પર્વતારોહી પ્રતિમા બેદીનું પણ મોત થયુ હતુ.

અન્ય અતિવૃષ્ટિની ઘટનાઓ
જુલાઈ 2024માં ઘનસાલી વિસ્તાર, ટહેરીમાં પણ મેઘવૃષ્ટિ થઈ હતી, જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. તે જ જુલાઈના 31 તારીખે પિથૌરાગઢમાં ફરી અતિવૃષ્ટિની ઘટના ઘટી હતી, જેમાં 11 લોકોના મોત થયાની માહિતી મળી છે. ઘણા લોકો ગુમ પણ થયા હતા. આ સિવાય 2012માં ઉત્તરકાશી જિલ્લાના ઉખીમઠ વિસ્તારમાં મેઘવૃષ્ટિમાં 33 લોકોના મોત થયા હતા, જ્યારે આશરે 35 લોકો ગુમ હતા. જુલાઈ 2014માં ટહેરીમાં 6 લોકોના મોત થયા હતા. 2016માં સિંધાળી ખાતે 12 લોકોના મોત થયાં હતાં.

  • Follow us on: