ઉત્તરાખંડના કોટદ્વારમાં શનિવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. લૅન્સડાઉન વિધાનસભા વિસ્તારના રિખણીખાલ-સતપુલી મોટર માર્ગ પર કલવાડી ગામ નજીક એક વાહન અચાનક બેકાબૂ બનીને આશરે 100 મીટર ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં વાહનચાલક સહિત 10 લોકોનાં મોત થયાં છે, જેમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે.
બેંકનું કામ પતાવીને ગામ પરત ફરી રહી હતી મહિલાઓ
મળતી માહિતી મુજબ, રિખણીખાલ વિકાસખંડના કોટનાલી-ભંગલવાણ ગામના સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓ બેંક સંબંધિત કામ માટે સિદ્ધખાલ ગઈ હતી. કામ પૂર્ણ કર્યા બાદ તમામ મહિલાઓ વાહનમાં બેસીને પોતાના ગામ પરત ફરી રહી હતી. આ દરમિયાન કલવાડી ગામ નજીક વાહન અચાનક કાબૂ બહાર ગયું હતું અને રસ્તાથી આશરે 100 મીટર નીચે ખીણમાં ખાબક્યું હતું.
સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી
અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો સૌથી પહેલાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મદદ શરૂ કરી હતી. ત્યારબાદ રિખણીખાલ, લૅન્સડાઉન અને કોટદ્વારથી વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગ્રામજનો, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી.
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો, ઘાયલોને સારવારના નિર્દેશ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૌડી ગઢવાલના કલવાડી, રિખણીખાલમાં બનેલી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા અને ગંભીર રીતે ઘાયલ લોકોને હવાઈ માર્ગે ઉચ્ચ સારવાર કેન્દ્રોમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી હતી.
આ પણ વાંચો : Explainer : અમેરિકામાં કરેલી વર્ષોની મહેનત પર પાણી..! IBMના નિર્ણયથી હજારો ભારતીયો મુશ્કેલીમાં, વાંચો શું અસર થશે