ઉત્તરાખંડમાં બે મોટા માર્ગ અકસ્માતોએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે. સોમવારે રુદ્રપ્રયાગમાં એક બોલેરો વાહન અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબક્યું હતું. જ્યારે મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી નીચે પાણીમાં પડી ગઈ હતી. આ બંને દુર્ઘટનાઓમાં કુલ 6 લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બંને અકસ્માત બાદ બચાવ કામગીરી માટે એસડીઆરએફ, ડીડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અંધકાર અને ઊંડી ખીણ વચ્ચે મોડી રાત સુધી બચાવ કામગીરી

રુદ્રપ્રયાગમાં અકસ્માતની જાણ થતાં જ જિલ્લા આપત્તિ નિયંત્રણ કક્ષ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ડીડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જોકે, ઘટનાસ્થળે ગાઢ અંધકાર અને આસપાસ ઊભી ખડકાળ ટેકરીઓ હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં બચાવ દળના જવાનોએ મોડી રાત સુધી રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખી હતી.

https://x.com/ANI/status/2122520527122387007?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122520527122387007%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

મળતી માહિતી અનુસાર, સોમવારે મોડી સાંજે રુદ્રપ્રયાગ જિલ્લાના બાંસવાડા-કંડારા મોટર માર્ગ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં એક બોલેરો વાહન ચાલકના કાબૂ બહાર જતાં રસ્તાથી આશરે 500 મીટર નીચે ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માત સમયે બોલેરોમાં કુલ 10 લોકો સવાર હતા

અકસ્માત સમયે બોલેરોમાં કુલ 10 લોકો સવાર હતા. આ તમામ લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાંસવાડા-કંડારા મોટર માર્ગ પર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બોલેરો સીધી ઊંડી ખીણમાં ખાબકી હતી.

ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. ખડકાળ પહાડી વિસ્તાર અને ઊંડી ખીણ હોવા છતાં જવાનોએ સ્ટ્રેચરની મદદથી તમામ છ ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને રસ્તા સુધી પહોંચાડીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પુલથી 100 મીટર નીચે પાણીમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ

બીજી તરફ, મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર ગૂલર બજાર નજીક એક ગંભીર બસ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી બસ ચાલકના કાબૂ બહાર જતાં પુલ પરથી આશરે 100 મીટર નીચે પાણીમાં ખાબકી હતી. આ બસમાં અંદાજે 30થી 35 મુસાફરો સવાર હતા.

અકસ્માતની જાણ થતાં જ એસડીઆરએફની બ્યાસી અને ઢાલવાલા પોસ્ટની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાંથી સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિએ ઋષિકેશની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

આ અકસ્માતમાં 18 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે.

વધારાની બચાવ ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી

બસ દુર્ઘટના બાદ બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા માટે એસડીઆરએફના સેનાનાયક અર્પણ યાદવંશીના નિર્દેશ પર વધારાની ટીમોને પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. હાલમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત છે. એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમો સંકલન સાથે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.

બંને અકસ્માતોના કારણે ઉત્તરાખંડમાં શોકનો માહોલ છે. અકસ્માત કેવી રીતે સર્જાયા અને વાહનો ચાલકોના કાબૂ બહાર કયા સંજોગોમાં ગયાં તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ઘાયલોને યોગ્ય સારવાર મળે તે માટે તંત્ર દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.