ઉત્તરાખંડના રુદ્રપુરમાં બારાવફાતના ધાર્મિક જુલૂસ દરમિયાન ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં પોલીસે રામપુરના મૌલાના મુજીબની ધરપકડ કરી છે. બુધવારે યોજાયેલા જુલૂસ દરમિયાન હજારો લોકોની હાજરીમાં મૌલાનાએ ઉત્તરાખંડ સરકાર પર મદરેસા બંધ કરાવવાનો આરોપ લગાવીને કથિત રીતે ભડકાઉ નિવેદન આપ્યું હતું. ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ગરમાયો હતો.

ઉત્તરાખંડ કોઈ પાકિસ્તાન નથી

વીડિયો સામે આવ્યા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઉત્તરાખંડ કોઈ પાકિસ્તાન નથી. તેમણે કહ્યું કે ઉત્તરાખંડની ઓળખ દેવભૂમિ તરીકે રહી છે અને આગળ પણ રહેશે. CM ધામીએ કહ્યું કે દેશ અને રાજ્યમાં ધમકી અને તુષ્ટિકરણનો સમય હવે પૂરો થઈ ગયો છે. સરકાર ડેમોગ્રાફિક ચેન્જના મુદ્દે પણ મૌન નહીં રહે. તેમણે સ્પષ્ટ કર્યું કે બંધારણ વિરુદ્ધ કામ કરનારા અથવા અશાંતિ ફેલાવનારા તત્વો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

વાયરલ વીડિયો અંગેની તપાસ શરૂ 

CMના નિવેદન બાદ ઉધમસિંહનગર પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે શુક્રવારે રુદ્રપુર કોતવાલી ખાતે મૌલાના મુજીબ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ શુક્રવારની રાત્રે જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હવે વાયરલ વીડિયોની તપાસ સહિત સમગ્ર મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે. ભાષણ દરમિયાન કયા શબ્દોનો ઉપયોગ થયો હતો અને તેના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર કોઈ અસર પડી કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : Samay Raina Controversy: કાશ્મીરી પંડિતો અને બિહારીઓ પર ટિપ્પણી બદલ સમય રૈના ફસાયા વિવાદમાં, BJP MLAએ કર્યો વિરોધ