ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા યમુનોત્રી નેશનલ હાઈવે નજીકના નૌગાંવ બજાર વિસ્તારમાં અતિવૃષ્ટિને કારણે ભારે તબાહી મચી છે. અચાનક આવેલા આ કુદરતી કહેરને કારણે સ્થાનિક નાળાં ઉભરાઈ ગયા અને તેમનો કાટમાળ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયો. આ દુર્ઘટનામાં એક આવાસ સંપૂર્ણપણે કાટમાળમાં દબાઈ ગયું છે, જ્યારે અડધો ડઝનથી વધુ મકાનો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. કાટમાળના પ્રવાહમાં એક મિક્સર મશીન અને અનેક ટુ-વ્હીલર વાહનો પણ તણાઈ ગયા છે, જ્યારે એક કાર પણ કાટમાળ નીચે દબાઈ ગઈ છે. પરિસ્થિતિ વકરતા લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ ખસી ગયા છે. સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.


તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી

અતિવૃષ્ટિના સમાચાર મળતા જ CM પુષ્કર સિંહ ધામીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, તેમણે જિલ્લા અધિકારી સાથે વાત કરીને રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. જિલ્લા પ્રશાસન, SDRF અને NDRF ની ટીમો અસરગ્રસ્ત વિસ્તાર માટે રવાના થઈ ગઈ છે. CM એ સ્પષ્ટ સૂચના આપી છે કે, અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવે અને તેમને તમામ શક્ય મદદ કરવામાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.

કેન્દ્રની ટીમ નુકસાનનો અંદાજ લગાવશે

ઉત્તરાખંડમાં આ ચોમાસા દરમિયાન કુદરતી આફતોને કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે કેન્દ્રીય આંતર-મંત્રાલયની 7 સભ્યોની ટીમ 8 સપ્ટેમ્બરના રોજ રાજ્યની મુલાકાત લેશે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન સચિવ વિનોદ કુમાર સુમન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 8 સપ્ટેમ્બરે જ કેન્દ્રની ટીમ સાથે બેઠક પણ યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ ચોમાસામાં ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 574 મિમી વરસાદ નોંધાયો છે, જે 2010 પછીનો સૌથી વધુ વરસાદ છે. ભારે વરસાદને કારણે રાજ્યને જાન-માલનું ભારે નુકસાન થયું છે અને રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી રૂ. 5702.15 કરોડના વિશેષ પેકેજની માંગણી કરી છે.


  • Follow us on: