બેંગલુરુથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E-185માં મુસાફરો મોતના મુખમાં આવી ગયા હોય તેવો અનુભવ કરવા લાગ્યા, જ્યારે એક મુસાફરે લેન્ડિંગની ગણતરીની મિનિટો પહેલાં જ મારાં પર ભૂતનો સાયો છે તેવું કહીને વિમાનનો ઇમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાથી ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, કેબિન ક્રૂની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી ગઈ છે.


ભૂત છે ભૂત છે કહી દરવાજો ખોલવાનો પ્રયાસ

વિમાન જ્યારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં હતું, ત્યારે મોહમ્મદ અદનાન નામનો મુસાફર અચાનક પોતાની સીટ પરથી ઊભો થયો અને ઇમરજન્સી ગેટ તરફ દોડ્યો. તેણે ગેટ પાસેના બટન સાથે છેડછાડ શરૂ કરી દીધી. આ દ્રશ્ય જોઈને આસપાસના મુસાફરો સ્તબ્ધ થઈ ગયા અને ચીસાચીસ પાડી ઉઠ્યા. વિમાન તે સમયે લેન્ડિંગ મોડમાં હોવાથી નાનકડી ભૂલ પણ સેંકડો જીવ જોખમમાં મૂકી શકતી હતી.

ક્રૂ અને પાયલટની સમજદારી

પરિસ્થિતિ પારખી ગયેલા કેબિન ક્રૂએ તરત જ અદનાનને ઝડપી લીધો અને તેને ગેટથી દૂર ખસેડ્યો. દરમિયાન, પાઇલટે સુરક્ષાના કારણોસર વિમાનને રનવે પર ઉતારવાને બદલે ફરી આકાશમાં ઊંચે ખેંચી લીધું. વિમાન થોડો સમય હવામાં ચક્કર લગાવતું રહ્યું અને જ્યારે બધું નિયંત્રણમાં આવ્યું ત્યારે જ તેને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટના દરમિયાન મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

ધરપકડ અને 'ભૂત'નો અજીબોગરીબ દાવો

લેન્ડિંગ બાદ આરોપી મોહમ્મદ અદનાનને CISF અને પોલીસને સોંપવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન તેણે જે કારણ આપ્યું તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. અદનાને દાવો કર્યો કે તેના પર "ભૂતનો સાયો" છે અને તે ભૂતના કહેવા પર આ બધું કરી રહ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે તેને ખબર નહોતી કે બટન દબાવવાથી દરવાજો ખુલી જશે.

Disclaimer-આ માહિતી મીડિયા રિપોર્ટના આધારે છે. સંદેશ ન્યૂઝની આની કોઇ પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચોઃ Oil Crisis : દુનિયામાં ઓઇલ સંકટ સામે અમેરિકાનું નરમ વલણ, રશિયન ટેન્કરને ક્યુબા જવાની આપી મંજૂરી

  • Follow us on: