ઉત્તર પ્રદેશના વારાણસીમાં સાયબર ઠગાઈ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં પોલીસને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઈમ સેલ અને ચેતગંજ પોલીસની સંયુક્ત ટીમે એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે ફર્મ અને બેન્ક ખાતા ખોલાવતો હતો. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને બેટિંગ એપ સાથે જોડાયેલી રકમના વ્યવહારો માટે કરવામાં આવતો હતો. પોલીસે ગેંગના કથિત સરગના સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

કોણ છે ગેંગનો મુખ્ય સૂત્રધાર?

પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓમાં બિહારના રોહતાસ જિલ્લાના સાસારામનો રહેવાસી નીતિશ કુમાર પાંડે પણ સામેલ છે, જેને ગેંગનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવી રહ્યો છે. તપાસ દરમિયાન આરોપીઓ સાથે જોડાયેલા 41 બેન્ક ખાતાઓની માહિતી સામે આવી છે. આ ખાતાઓને લઈને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર કુલ 143 ફરિયાદો નોંધાયેલી મળી છે. તપાસમાં આ ફરિયાદો સાથે સંકળાયેલી આશરે ₹116.86 કરોડની સાયબર છેતરપિંડીનો ખુલાસો થયો છે.

પોલીસે અનેક વસ્તુઓ કરી જપ્ત 

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ લોકોના નામે ખાતા અને ફર્મ ખોલાવી તેની બેન્કિંગ વિગતો પોતાના કબજામાં લેતા હતા. ત્યારબાદ છેતરપિંડીની રકમ અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને તેના મૂળ સ્ત્રોતને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આરોપીઓ XePay APKનો ઉપયોગ કરીને મોબાઈલમાં SMS Forwarding સક્રિય કરતા હોવાનો પણ આરોપ છે. તેના મારફતે બેન્કિંગ વ્યવહારો સંબંધિત OTP અને અન્ય સંદેશા મેળવવામાં આવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 7 મોબાઈલ, એક લેપટોપ, 19 ચેકબુક, 40 ડેબિટ કાર્ડ, 48 QR સ્કેનર અને બે વાહનો જપ્ત કર્યા છે. હવે પોલીસ ગેંગ સાથે જોડાયેલા અન્ય આરોપીઓ અને ખાતાઓની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : GRSE અને YILની ક્ષમતા વધશે, રાજનાથ સિંહ અને CM સુવેન્દુ અધિકારીના હસ્તે 5 વિસ્તરણ પ્રોજેક્ટ્સનો કરાયો શુભારંભ