રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે લશ્કરી અભ્યાસ દ્વારા ફાયરપાવર અને ઓપરેશનલ તૈયારીનું પ્રદર્શન કરશે.
ભારતીય વાયુસેનાની કવાયત
27 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે લશ્કરી અભ્યાસ દરમિયાન ભારતીય વાયુસેના પોતાની ફાયરપાવર અને ઓપરેશનલ તૈયારીનું પ્રદર્શન કરશે. વાયુસેનાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ફ્રન્ટલાઈન ફાઈટર જેટ્સ અને અનેક વ્યૂહાત્મક હવાઈ સંપત્તિઓ આ કવાયતમાં ભાગ લેશે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ કવાયતમાં સુખોઈ-30, મિગ-29 અને તેજસ જેવા ફાઈટર જેટ્સ પ્રદર્શન કરશે. આ કાર્યક્રમ 'ઓપરેશન સિંદૂર'માં ભારતીય વાયુસેનાની સફળ ભૂમિકાને પ્રકાશિત કરશે.
કવાયતમાં કયા મુખ્ય લડાયક વિમાનો સામેલ ?
આ કવાયતમાં 120થી વધુ વિમાનો ભાગ લેશે. જેમાં ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. પ્રેઝન્ટેશન દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે રાફેલ, સુખોઈ-30, મિગ-29, તેજસ, જગુઆર અને મિરાજ-2000 જેવા મુખ્ય લડાયક વિમાનોનો સમાવેશ થશે. અપાચે એટેક હેલિકોપ્ટર, LUH પ્રચંડ અને ALH પણ પ્રદર્શનમાં ભાગ લેશે.
'ઓપરેશન સિંદૂર'ની સફળ ભૂમિકા
ગયા વર્ષે 7 મેના રોજ ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં વિવિધ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. આ ભારતીય સૈન્ય કાર્યવાહી બાદ, પાકિસ્તાને બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં તેને ભારે નુકસાન થયું હતુ. તેના અનેક વાયુસેના મથકોને નુકસાન થયું હતુ. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો.
