સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કોઈનું પણ માથું શરમથી ઝૂકી જાય. એક ચાલતી ટ્રેનમાં ભીડ વચ્ચે એક શખ્સે જાહેરમાં પેશાબ કરવાનું શરૂ કરી દીધું. શખ્સની આ હરકત જોઈને ત્યાં હાજર અન્ય મુસાફરો ગુસ્સે ભરાયા. મુસાફરોએ માત્ર તેનો વિરોધ જ નહીં કર્યો, પરંતુ તેને ઘેરીને મારપીટ પણ કરી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકો રેલવેની સુરક્ષા વ્યવસ્થા તેમજ મુસાફરોના જાહેર શિસ્ત અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
X પર @Khurpenchinfra નામના યુઝરે શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનનો ડબ્બો મુસાફરોથી ખીચોખીચ ભરેલો છે. ફર્શથી લઈને બર્થ સુધી લોકો બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન એક શખ્સ કોઈની પરવા કર્યા વિના કોચની અંદર જ પેશાબ કરવા લાગે છે.
આસપાસના મુસાફરોએ તેને આવું કરતા રોક્યો અને શૌચાલયમાં જવા માટે કહ્યું. જોકે, શખ્સે તેમની વાત માનવાને બદલે દલીલ કરવાનું શરૂ કર્યું. આ પછી ગુસ્સે ભરાયેલા મુસાફરોએ તેને ઘેરી લીધો અને તેની મારપીટ કરી.
રેલવે સેવાનું કડક પગલું અને તપાસ
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ X પર રેલવે સેવાએ પોતાના સત્તાવાર હેન્ડલ @RailwaySeva પરથી પ્રતિક્રિયા આપી હતી. રેલવે સેવાએ યુઝર પાસેથી ટ્રેન નંબર, PNR, મોબાઇલ નંબર તેમજ ઘટનાની તારીખ અને સમય જેવી સંપૂર્ણ માહિતી માગી છે.
રેલવે અધિકારીઓએ આ મામલે ગંભીરતાથી તપાસ કરવાની અને દોષિત સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સાથે જ મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય તો રેલ મદદ પોર્ટલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
https://twitter.com/Khurpenchinfra/status/2103947437228601473
સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા
આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોએ ટ્રેનોમાં વધી રહેલી ભારે ભીડ અને મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કેટલાક યુઝર્સે સવાલ કર્યો છે કે અન્ય મુસાફરો તેને તરત રોકવા કે વચ્ચે પડવાને બદલે વીડિયો કેમ બનાવતા રહ્યા. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એવી માગ પણ કરી છે કે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને લાંબા સમય સુધી ટ્રેનમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.