કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવાર, 11 જાન્યુઆરીના રોજ કેરળ માટે ભાજપનું “અંતિમ લક્ષ્ય” જાહેર કર્યું. તેમણે જણાવ્યું કે ભાજપ રાજ્યમાં માત્ર પોતાની હાજરી મજબૂત કરવા માટે નહીં, પરંતુ એક દિવસ કેરળમાં ભાજપની સરકાર બનાવવાનો અને પાર્ટીના સભ્યને મુખ્યમંત્રી બનતા જોવા માટે પ્રતિબદ્ધ છે. તિરુવનંતપુરમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતનારા પ્રતિનિધિઓને સંબોધતા તેમણે આ વાત કહી અને આ શહેરને ભાજપ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું.
અમિત શાહે શું કહ્યું ?
અમિત શાહે કહ્યું કે કેરળમાં ભાજપનો રસ્તો સહેલો નહોતો, પરંતુ વર્ષો સુધીના સંઘર્ષ અને કાર્યકરોની મહેનતના કારણે આજે પાર્ટીએ રાજ્યમાં મજબૂત પાયો બનાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે LDF અને UDF બંને ગઠબંધનોએ કેરળના વિકાસમાં અવરોધ ઉભા કર્યા છે અને તુષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહન આપ્યું છે. તેમના મત અનુસાર, કેરળના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે ભાજપની નીતિઓ જ અસરકારક સાબિત થઈ શકે છે.
વધતા મતહિસ્સા પર પણ ભાર
ગૃહમંત્રીએ ભાજપના વધતા મતહિસ્સા પર પણ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે 2014માં ભાજપને કેરળમાં 11 ટકા મત મળ્યા હતા, 2019માં તે વધીને 16 ટકા થયા અને 2024માં લગભગ 20 ટકા સુધી પહોંચ્યા છે. તેમના કહેવા મુજબ, હવે 20થી 30 અને 40 ટકા સુધી પહોંચવું અશક્ય નથી અને 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આ સાબિત કરશે. અમિત શાહે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવા માટે દક્ષિણ ભારત, ખાસ કરીને કેરળનો વિકાસ ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું, “વિકસિત ભારતનો માર્ગ વિકસિત કેરળમાંથી પસાર થાય છે.”
કોંગ્રેસની કરી કડક ટીકા
તેમણે કોંગ્રેસ પર પણ કડક ટીકા કરી અને કહ્યું કે દેશભરમાં કોંગ્રેસ ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. તેમના મતે, કેરળના વિકાસ, સુરક્ષા અને લોકોના અધિકારોનું રક્ષણ ફક્ત એનડીએ અને ભાજપના નેતૃત્વ હેઠળ જ શક્ય છે. અંતમાં, તેમણે કેરળના લોકોને ભાજપને સમર્થન આપવા અપીલ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં રાજ્યમાં મોટો રાજકીય બદલાવ જોવા મળશે.
આ પણ વાંચો : PM Kisan 22મો હપ્તો ક્યારે મળશે? ખેડૂતો માટે ડબલ ખુશખબર