ભારે વરસાદને પગલે અમરનાથ યાત્રા એક અઠવાડિયા પહેલાંજ બંધ કરી દેવામાં આવી છે. આ યાત્રા 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની હતી, પરંતુ છેલ્લાં કેટલાય દિવસથી વરસી રહેલા વરસાદને કારણે અમરનાથ યાત્રાના અનેક માર્ગોનુ ધોવાણ થતા 3 ઓગસ્ટે જ એને રોકી દેવામાં આવી હતી.


હિમાચલ પ્રદેશમાં 387 રસ્તાઓ બંધ

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે શનિવાર સવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉધમપુરમાં બે પુલ તૂટી ગયા અને પાંચ ઘરોમાં ભીંતોમાં ફાટ પણ પડી છે.ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક જળવિદ્યુત પ્રોજેક્ટમાં ભૂસ્ખલનના કારણે 12 મજૂરો ઘાયલ થયા છે. હિમાચલ પ્રદેશમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 387 રસ્તાઓ બંધ છે. જ્યારે પંજાબ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પૂર જેવા હાલાત વચ્ચે સેને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવી છે

ભૂસ્ખલનને પગલે 12 મજૂરો ઘાયલ

ભારે વરસાદને પગલે ચમોલીના હેલંગ પાસે આવેલા ટીએચડીસી વિશ્ણુગાડ જળવિદ્યુત પ્રોજેક્ટ સાઇટ પર ભૂસ્ખલન થયું હતું. તે સમયે ત્યાં લગભગ 300 મજૂર કામ કરી રહ્યા હતા. પહાડ પરથી પથ્થરો પડતા જોઇ મજૂરો સુરક્ષિત સ્થળે ભાગી ગયા, તેમ છતાં 12 મજૂરો ઘાયલ થયા. તમામને પિપલકોટીના વિવેકાનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચારને ગંભીર ઇજા થઈ છે. એક મજૂરને રીઢની હાડકીને ઇજા થતાં તેને શ્રીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ટીએચડીસીને મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કર્યા પછી જ પ્રોજેક્ટનું કામ પુનઃ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

  • Follow us on: