હવામાન વિભાગ (IMD)ના પૂર્વાનુમાન મુજબ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતાં ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ, બરફવર્ષા અને ઠંડી વધવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારો જેમ કે ગુલમર્ગ, પહલગામ, સોનમર્ગ, મનાલી, લાહૌલ-સ્પિતિ અને કિન્નૌરમાં સતત બરફવર્ષા થઈ રહી છે. આ કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને અનેક સ્થળોએ માર્ગ સંપર્ક પ્રભાવિત થયો છે. વહીવટી તંત્રએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. પહાડી માર્ગો ચીકણા થતા ભૂસ્ખલન અને ટ્રાફિક જામની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હવામાન પલટો 

બીજી તરફ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હવામાન પલટો લેવાનું છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ યુપી, પૂર્વ યુપી અને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છાંટા અને તેજ પવન ફૂંકાવાની સંભાવના છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો આવશે, જેથી ઠંડી ફરી એકવાર વધી શકે છે.

પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ 

આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદની શક્યતા છે. આથી ધુમ્મસની સ્થિતિમાં પણ ફેરફાર જોવા મળી શકે છે, જોકે રાત્રિ અને સવારના સમયે ઠંડી યથાવત રહેશે.

હવામાન વિભાગે ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સલાહ આપી છે. સાથે જ મુસાફરો અને પ્રવાસીઓને હવામાનની માહિતી મેળવીને જ મુસાફરી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં બરફવર્ષા અને વરસાદથી હવામાન મનોહર બનશે, પરંતુ ઠંડી અને મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે. 

આ પણ વાંચો: Weather Update : ફરી બદલાયુ હવામાન, ઠંડીની સાથે વરસાદની શક્યતા