ચોમાસાની ભલે દેશમાંથી વિદાય થઇ ગઇ હોય પણ દિવાળીમાં પણ કમોસમી વરસાદ પડી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ અઠવાડિયું ઘણા રાજ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જારી કરી છે, જેનાથી દરિયાકાંઠાના વિસ્તારો તેમજ રાજ્યોને નુકસાન થવાની ધારણા છે.
બંગાળની ખાડી પર આંદમાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની ચેતવણી
હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની ચેતવણી જારી કરી છે, જે આજથી વધુ તીવ્ર બનવાની ધારણા છે. તેમાં જણાવાયું છે કે 23 ઓક્ટોબર સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ચેતવણી જારી થતાં જ સ્થાનિક બંદરો ખાલી કરાવવાનું શરૂ કરી દેવાયું છે. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાતની અસર દક્ષિણ દ્વીપકલ્પથી પૂર્વ, ઉત્તરપૂર્વ, મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં ફેલાશે. ચક્રવાત કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અનુભવાશે.
આંદમાન અને નિકોબાર ટાપુઓમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આંદમાન અને નિકોબાર ટાપુઓથી શરૂ કરીને, ચક્રવાત કેરળમાં પ્રવેશ કરશે. ત્યારબાદ, તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં વિનાશ વેરી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21, 22 અને 23 ઓક્ટોબરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશ માટે 20 થી 24 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની ચેતવણી
તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશ માટે 20 થી 24 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં આ પ્રદેશમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વીજળી અને તોફાન થવાની સંભાવના છે. 20 થી 24 ઓક્ટોબર દરમિયાન ઓડિશા, આંદામાન અને નિકોબાર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ વીજળી પડવાની સંભાવના છે.
કોંકણ અને ગોવા, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં વીજળી પડવાની સંભાવના
પશ્ચિમ ભારતમાં, આગામી બે દિવસમાં કોંકણ અને ગોવા, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં વીજળી પડવાની સંભાવના છે. વધુમાં, ઉત્તર ભારતમાં, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વીજળી પડવાની સંભાવના છે.
અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટ ડિસ્ટર્બન્સથી વરસાદ રહેશે
બીજી તરફ ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. ખાસ કરીને દક્ષિણ- મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં પણ માવઠાની આગાહી કરાઇ છે. 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધશે . હવામાન વિભાગના જણાવાયા મુજબ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અસર રહેશે અને અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટ ડિસ્ટર્બન્સથી વરસાદ રહેશે