ઉત્તર-પશ્ચિમ ભારતના જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા સાથે તેજ પવનની શક્યતા છે. ખાસ કરીને 3 અને 4 એપ્રિલે આ વિસ્તારોમાં કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ
પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને 30 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. તાપમાનમાં પણ ઘટાડાના સંકેત છે, જે 4 થી 6 એપ્રિલ દરમિયાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ શકે છે.
ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં પણ હવામાન સક્રિય રહેશે
પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ આગામી કેટલાક દિવસો સુધી હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવન સાથે ગાજવીજની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં પણ હવામાન સક્રિય રહેશે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 1 એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવન જોવા મળી શકે છે.
દેશભરના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે
એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં દેશભરના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર આ સમયગાળા દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે અને અનેક રાજ્યોમાં વરસાદ તેમજ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા રહેશે. તેનો પ્રભાવ ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી જોવા મળશે.
ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં આવેલ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે અહીં ઠંડીમાં વધારો થશે અને તાપમાન સામાન્ય કરતા નીચે જઈ શકે છે. મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે સવાર અને સાંજ ઠંડક વધશે.
દક્ષિણ ભારતમાં કેરાલા સહિત અનેક રાજ્યોમાં પ્રી-મોનસૂન વરસાદની પ્રવૃત્તિ તેજ બની શકે છે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં તેજ પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આથી ખેડૂતોને લાભ મળી શકે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે.
મધ્ય અને પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણની સ્થિતિ રહેશે. દિવસના તાપમાનમાં થોડી ઘટાડો જોવા મળશે જ્યારે રાત્રિના સમય દરમિયાન ઠંડી વધુ અનુભવાશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ બદલાવ હવામાન પ્રણાલીના સક્રિય થવાને કારણે થઈ રહ્યો છે.
એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હવામાન અપડેટ્સ પર નજર રાખે અને વરસાદ તથા ઠંડીને ધ્યાનમાં રાખીને પોતાની દૈનિક પ્રવૃત્તિઓમાં ફેરફાર કરે.
આ પણ વાંચો: Weather Update: દિલ્હીમાં હળવા વરસાદી ઝાપટાં, 7 દિવસ આવુ જ રહેશે વાતાવરણ
