દિલ્હીમાં અત્યાર સુધીનો સૌથી ઓછું તાપમાન 2.9 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યુ છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે ગયો છે. પંજાબ, હરિયાણા અને જમ્મુ કશ્મીરમાં પણ શીત લહેરને કારણે જનજીવન પર અસર વર્તાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોને લઇને કડકડતી ઠંડી અને શીતલહેરની ચેતવણી જાહેર કરી છે.

શીતલહેરની ચેતવણી કરી જાહેર

ઉત્તર ભારત છેલ્લાં કેટલાય દિવસોથી શીતલહેરથી ઠુંઠવાઇ રહ્યુ છે. અનેક રાજ્યોમાં તાપમાન સામાન્યથી ઘણું નીચે ચાલ્યુ ગયુ છે. જેનાથી જનજીવન પ્રભાવિત થઇ રહ્યુ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં થઇ રહેલી બરફવર્ષા બાદ ત્યાંથી આવનારી ઠંડી હવા દિલ્હી અને ઉત્તર ભારતના લોકોને કડકડતી ઠંડીનો અનુભવ કરાવી રહી છે. હવામાન વિભાગ અનુસાર આવનારા દિવસોમાં ઠંડીથી સહેજ પણ રાહત મળવાની સંભાવના નથી અને અનેક વિસ્તારોમાં શીત લહેરને લઇને ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આગામી દિવસોમાં ઠંડી ઓછી થવાની સંભાવના નહિવત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માં આ સિઝનની પહેલી શીત લહેર નોંધાઈ છે. આ વર્ષે પહેલીવાર ન્યૂનતમ તાપમાન ઘટીને 2.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ મુજબ જ્યારે ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં 4.5 થી 6.4 ડિગ્રી ઓછું થઈ જાય છે, ત્યારે તેને શીત લહેર કહેવામાં આવે છે. હાલના આંકડાઓ આ વાતની પુષ્ટિ કરે છે કે દિલ્હીના મોટા ભાગમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. દિલ્હીના આયાનગર વિસ્તાર સૌથી ઠંડો રહ્યો, જ્યાં ન્યૂનતમ તાપમાન 2.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

ન્યૂનતમ તાપમાન 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

આ ઉપરાંત, પાલમ વેધર સ્ટેશન પર ન્યૂનતમ તાપમાન 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે છેલ્લા 13 વર્ષમાં સૌથી ઓછું છે. IMD અનુસાર, સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં ન્યૂનતમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી ઓછું છે, જ્યારે મહત્તમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આવી જ ઠંડી રહેવાની ચેતવણી આપતાં ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ LOC અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર જોવા મળ્યા શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન, સુરક્ષા દળ હાઈ એલર્ટ પર