સામાન્ય રીતે મે મહિનો એટલે ઉત્તર ભારતમાં લૂ અને આકરા તાપનો સમય ગણાય છે. પરંતુ આ વર્ષે હવામાનનું ચક્ર કંઈક અલગ જ વળાંક લઈ રહ્યું છે. દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં પડી રહેલા વરસાદે ગરમીના મોજા (Heatwave) ને હાલ પૂરતી વિદાય આપી દીધી છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ પારો નીચો રહેશે.
દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં એલર્ટ
તાજેતરમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. IMD એ દિલ્હી-NCR માટે 'યલો એલર્ટ' જારી કરીને આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. બીજી તરફ, પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ત્યાં ૪ અને ૫ મેના રોજ ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન કેમ બદલાઈ રહ્યું છે?
સ્કાયમેટના નિષ્ણાતોના મતે, આ ફેરફાર પાછળ 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' જવાબદાર છે. આ વિક્ષેપને કારણે આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે, જે ભેજવાળા પવનો લાવી રહ્યું છે. આ જ કારણ છે કે રવિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 36-38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જે સામાન્ય રીતે આ દિવસોમાં ૪૦ ડિગ્રીને પાર કરી જતું હોય છે.
અચાનક બદલાવ પર્યાવરણીય માટે અસંતુલન
જોકે, ગરમીથી મળેલી આ રાહત લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મે અને જૂનની કાળઝાળ ગરમી માત્ર શાળાઓમાં રજાઓ માટે જ નહીં, પણ કૃષિ ક્ષેત્રે પાકને પકવવા માટે પણ અનિવાર્ય છે. હવામાન ચક્રમાં આવો અચાનક બદલાવ પર્યાવરણીય અસંતુલન તરફ ઈશારો કરે છે. ગાઝિયાબાદ જેવા વિસ્તારોમાં તો વરસાદની સાથે કરા પણ પડ્યા છે, જે પાકને નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચોઃ Delhi Rain : રાજધાનીમાં વરસાદનું પવન સાથે આગમન, લોકોને ગરમમાંથી મળી રાહત