તૃણમૂલ કોંગ્રેસ (TMC) થી અલગ થઈને નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI) સાથે ગઠબંધન કરનારા 20 બળવાખોર સાંસદોની મુશ્કેલીઓ વધી શકે છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા દ્વારા જાહે કરાયેલ ગેરલાયકાત નોટિસનો જવાબ આપવા માટે બે અઠવાડિયાની સમયમર્યાદા ગુરુવારે સમાપ્ત થઈ ગઈ છે. આ સાંસદોએ હવે તેમના જવાબો દાખલ કરવા માટે બે અઠવાડિયા વધુ માંગ્યા છે.

બળવાખોર સાંસદોની યોજાઇ હતી બેઠક 

દરમિયાન, કોલકાતામાં બળવાખોર સાંસદોની એક બેઠક યોજાઈ હતી, પરંતુ 20 માંથી માત્ર 10 સાંસદો હાજર રહ્યા હતા. બેઠકમાં વધુ કાનૂની અને રાજકીય રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, હાજર સાંસદોએ 10 સભ્યોની ગેરહાજરી અંગે કોઈપણ મતભેદો અંગેની અટકળોને ફગાવી દીધી હતી. જો કે, શું બળવાખોર સાંસદોમાં જ બળવો થયો છે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જે લોકો હાજર રહ્યા ન હતા તેમાં સયાની ઘોષ અને યુસુફ પઠાણ જેવા નામોનો સમાવેશ થાય છે.


અડધા સાંસદો રહ્યા ગેરહાજર 

વરિષ્ઠ સાંસદ સુદીપ બંદોપાધ્યાય દ્વારા એક હોટલમાં બોલાવવામાં આવેલી બેઠકમાં દસ સાંસદો હાજર રહ્યા ન હતા. બેઠકમાં હાજર રહેલા નેતાઓએ જણાવ્યું હતું કે કેટલાક સાંસદો વિદેશમાં હતા, કેટલાકને પારિવારિક સમસ્યાઓ હતી, અને કેટલાક અન્ય બેઠકોમાં વ્યસ્ત હતા.

બેઠકમાં હાજર રહેલા સાંસદોના જણાવ્યા મુજબ, ગેરહાજર સભ્યોનો ફોન દ્વારા પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. સાંસદ શતાબ્દી રોયે જણાવ્યું હતું કે કોણ હાજરી આપી રહ્યું છે અને કોણ નથી તેનું નિરીક્ષણ કરવું તેમના માટે મહત્વપૂર્ણ નથી. શર્મિલા સરકારે એમ પણ કહ્યું હતું કે જે સાંસદો હાજરી આપી શક્યા નથી તેમની સાથે કોઈ ગેરસમજ નથી.

સાંસદ રચના બેનર્જીએ આ કાર્યક્રમને દુર્ગા પૂજા પહેલા મેળાવડો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બધા સાંસદો સંસદમાં ભેગા થાય છે, પરંતુ બંગાળ પાછા ફર્યા પછી, તેઓ પોતપોતાના મતવિસ્તારના કામમાં વ્યસ્ત થઈ જાય છે. તેથી, પૂજા પહેલા દરેકને મળવું મહત્વપૂર્ણ હતું.


કયા સાંસદોએ બેઠકમાં ભાગ લીધો ન હતો?

બેઠકમાં હાજર ન રહેલા 10 સાંસદોમાં શામેલ છે:


  • કાકોલી ઘોષ દસ્તીદાર
  • સાયોની ઘોષ
  • યુસુફ પઠાણ
  • માલા રોય
  • જૂન માલિયા
  • પાર્થ ભૌમિક
  • મિતાલી બાગ
  • કાલીપદા સોરેન
  • દેવ
  • અસિત માલ

સુદીપ બંદ્યોપાધ્યાય ઉપરાંત, અબુ તાહેર, ખલીલુર રહેમાન, શર્મિલા સરકાર, જગદીશ ચંદ્ર બર્મા બાસુનિયા, શતાબ્દી રોય, પ્રસૂન બેનર્જી, બાપી હલદર, રચના બેનર્જી અને અરૂપ ચક્રવર્તી બેઠકમાં હાજર હતા.


ગેરલાયકાતની નોટિસ શા માટે જાહેર કરવામાં આવી?

લોકસભા સ્પીકર સમક્ષ આ 20 સાંસદો સામે ગેરલાયકાતની અરજી દાખલ કરવામાં આવી છે. ફરિયાદોમાં દરેક સાંસદ સામે અલગ અલગ આરોપો છે. નોટિસમાં સાંસદોને પૂછવામાં આવ્યું છે કે તેઓ શા માટે ટીએમસીથી અલગ થયા અને એનસીપીઆઈ સાથે જોડાણ કર્યું અને તેમની સામે પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓ કેમ લાગુ ન કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટની કાર્યવાહી બાદ લોકસભા સ્પીકરના કાર્યાલયે સાંસદોને નોટિસ ફટકારીને તેમના જવાબો માંગ્યા હતા. ટીએમસીના મમતા બેનર્જી કેમ્પે પણ આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.