પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર હિંસાની લોહિયાળ ઘટના સામે આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના અંગત સહાયક (PA) ચંદ્રનાથ રથની બુધવારે મોડી સાંજે મધ્યમગ્રામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ અત્યંત નજીકથી (પોઈન્ટ બ્લેન્ક રેન્જ) ચંદ્રનાથ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, ચંદ્રનાથ રથ પોતાની કાળી સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે મોટરસાયકલ પર સવાર થઈને આવેલા હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચંદ્રનાથને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ હુમલો એટલો ઝડપી હતો કે કોઈને બચાવની તક મળી ન હતી.
કોણ હતા ચંદ્રનાથ રથ?
ચંદ્રનાથ રથ છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે સંકળાયેલા હતા. તેઓ અધિકારીના 'પડછાયા' સમાન માનવામાં આવતા હતા અને ચૂંટણી પ્રચારથી લઈને તમામ મુખ્ય વહીવટી જવાબદારીઓ સંભાળતા હતા. શુભેન્દુ અધિકારીના તેઓ અત્યંત વિશ્વાસુ અને અંગત વ્યક્તિ હતા.
રાજકીય ગરમાવો
આ હત્યા બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે આ હત્યા પાછળ સત્તારૂઢ પાર્ટી TMC (તૃણમૂલ કોંગ્રેસ) પર સીધો આરોપ લગાવ્યો છે. ભાજપનો દાવો છે કે, તાજેતરની ચૂંટણીમાં મળેલી કારમી હારના કારણે બોખલાયેલી TMC હિંસા પર ઉતરી આવી છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતા જોતા મધ્યમગ્રામ અને એરપોર્ટ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે, અને તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - West Bengal :બામનઘેરીમાં પેટ્રોલિંગ કરી રહેલા જવાનો પર અંધાધૂંધ ગોળીબાર, 5 જવાન ઘાયલ