પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો પહેલા ઈવીએમ અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષાને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મતગણતરી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પંચે વિશેષ નિરીક્ષકોની નિમણૂક કરી છે.

165 વધારાના કાઉન્ટિંગ ઓબ્ઝર્વર તૈનાત

પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલા સ્ટ્રોંગ રૂમની સુરક્ષાને લઈને થઈ રહેલા હોબાળા વચ્ચે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ કડક પગલાં લીધાં છે. પંચે રાજ્યમાં ૧૬૫ વધારાના મતગણતરી નિરીક્ષકો (Counting Observers) અને 77 પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરી છે.

સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા પર વિશેષ નજર

ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, આ નિમણૂકોનો હેતુ મતગણતરી કેન્દ્રોની આસપાસ સુરક્ષા અભેદ્ય બનાવવાનો અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો છે.

જે 165 વિધાનસભા મતવિસ્તારોમાં એક કરતા વધુ કાઉન્ટિંગ હોલ છે, ત્યાં પ્રક્રિયાને ઝડપી અને સચોટ બનાવવા માટે વધારાના ઓબ્ઝર્વર મદદ કરશે.

77 પોલીસ ઓબ્ઝર્વર કાઉન્ટિંગ સેન્ટરની બહારની સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ રાખશે, જોકે તેઓ મતગણતરી હોલની અંદર પ્રવેશ કરી શકશે નહીં.

https://twitter.com/ANI/status/2050522623789175125

ચુસ્ત પ્રોટોકોલ અને એન્ટ્રીના નિયમો

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતગણતરીના દિવસે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ખાસ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે:

QR કોડ આધારિત આઈડી: રિટર્નિંગ ઓફિસર (RO) દ્વારા 'ECINet' મોડ્યુલ દ્વારા જારી કરવામાં આવેલા QR કોડવાળા ફોટો આઈડી કાર્ડ વગર કોઈને પણ કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં.

મોબાઈલ પર પ્રતિબંધ: કાઉન્ટિંગ ઓબ્ઝર્વર અને રિટર્નિંગ ઓફિસર સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ કાઉન્ટિંગ હોલની અંદર મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં.

પારદર્શક પ્રક્રિયા: કંટ્રોલ યુનિટ (CU) માંથી પરિણામો મેળવતી વખતે ઉમેદવારોના એજન્ટોની હાજરી ફરજિયાત રહેશે. ફોર્મ ૧૭સી-II પર એજન્ટોની સહી લેવામાં આવશે અને માઈક્રો-ઓબ્ઝર્વર પણ દરેક રાઉન્ડના અંતે પરિણામોની સ્વતંત્ર રીતે નોંધણી કરશે.