પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવ્યા બાદ આજે પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું. નવી સરકારે લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગ માટેનું બજેટ એક જ ઝટકામાં ₹5,713 કરોડથી ઘટાડીને ₹2,165 કરોડ કર્યું છે. એટલે કે ₹3,548 કરોડનો ઘટાડો કર્યો છે.
મદરેસા શિક્ષણ વિભાગનું બજેટ ઘટાડ્યુ
મમતા બેનર્જીના વહીવટ દરમિયાન મદરેસા શિક્ષણ અને લઘુમતી કલ્યાણ યોજનાઓ શાસનના મુખ્ય પાસાં બની ગયા હતા. પરંતુ હવે બીજેપી સરકારે મદરેસા શિક્ષણ વિભાગનું બજેટ ઘટાડી દીધુ. ટકાવારીની દ્રષ્ટિએ લગભગ 62 ટકાનો ઘટાડો દર્શાવે છે.આ નિર્ણયને બંગાળના રાજકારણમાં સત્તા પરિવર્તન પછી તેને નીતિગત પરિવર્તનના સૌથી મહત્વપૂર્ણ સૂચક તરીકે જોવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે અત્યાર સુધીમાં દીદીની સત્તામાં જે બજેટ બહાર પડતુ તેમાં ભાજપે સતત આરોપ લગાવ્યો હતો કે વોટ-બેંક રાજકારણ માટે રાજ્યના સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. હવે, સત્તા સંભાળ્યા પછી ભાજપે બજેટ દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેની પ્રાથમિકતાઓ અલગ છે.
બંગાળ વિકાસ વિભાગ માટે બજેટ બમણું
જ્યારે એક વિભાગનું બજેટ ઘટાડ્યું હતું, ત્યારે સરકારે ઉદ્યોગ, રોકાણ અને પ્રાદેશિક વિકાસ પર ખર્ચ વધારવાનો નિર્ણય લીધો હતો. ઉત્તર બંગાળ વિકાસ વિભાગનું બજેટ લગભગ બમણું કરવામાં આવ્યું છે, જે ₹920 કરોડથી વધીને ₹1,821 કરોડ થયું છે. સરકાર દાવો કરે છે કે ધ્યાન હવે ઓળખ આધારિત રાજકારણથી માળખાગત સુવિધાઓ, રોજગાર અને રોકાણ તરફ જશે.
બજેટ રજૂ કર્યા પછી, મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે આ બજેટ ઉદ્યોગ, કૃષિ, રોજગાર સર્જન, શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા આપે છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 1 લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવશે.
સ્વપન દાસગુપ્તાએ શું કહ્યું?
નાણામંત્રી સ્વપન દાસગુપ્તાના નિવેદનમાં સૌથી મહત્વપૂર્ણ રાજકીય સંદેશ રહેલો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે ઉદ્યોગો અને વ્યાપારી સમુદાયને ટેકો આપવા માટે નીતિઓમાં ફેરફાર કર્યા છે જેનો હેતુ પશ્ચિમ બંગાળને દેશના ઔદ્યોગિક નકશા પર ફરીથી સ્થાપિત કરવાનો છે.
આમ જોવા જઇએ તો બીજેપી સરકારનું આ બજેટ બે મોડેલો વચ્ચે સીધો સંઘર્ષ રજૂ કરતો દસ્તાવેજ બની ગયો છે એક તરફ મમતા બેનર્જીનું કલ્યાણલક્ષી અને લઘુમતી-કેન્દ્રિત મોડેલ છેય જ્યારે બીજી તરફ, ભાજપ ઉદ્યોગ, રોકાણ, રોજગાર અને માળખાગત સુવિધાઓને વિકાસના નવા એન્જિન તરીકે સ્થાન આપવાનો પ્રયાસ કરી રહી છે.
સરકારી કર્મચારીઓના DAમાં વધારો
શુભેન્દુ નેતૃત્વવાળી સરકારે વિધાનસભામાં પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું છે. જેમાં સરકારી કર્મચારીઓના DAમાં 20 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી સ્વપ્ન દાસગુપ્તાએ જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય 'વિકસિત ભારત અને વિકસિત બંગાળ' છે. સરકારે જાહેરાત કરી હતી કે હાલની બધી સામાજિક કલ્યાણ યોજનાઓ કોઈપણ ફેરફાર વિના ચાલુ રહેશે. તેમના બજેટ ભાષણમાં, તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સરકારે મોંઘવારી ભથ્થા (DA) માં 20 ટકાનો વધારો કરીને તેના કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. વધુમાં સરકારે યુવાનો માટે એક લાખ નોકરીઓની પણ જાહેરાત કરી, જેમાં 33 ટકા જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.