પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બાંગ્લાદેશથી આવેલા હિન્દુઓને નાગરિકતા આપવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 31 ડિસેમ્બર સુધીમાં તેમને ભારતના કાયદેસરના નાગરિકો જાહેર કરવામાં આવશે. આ જાહેરાત શુભેન્દુ અધિકારીએ કરી હતી.

બાંગ્લાદેશી હિંદુઓને મળશે નાગરિકતા 

તેમણે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર આ પ્રક્રિયાને અમલમાં મૂકવામાં નિષ્ફળ રહી, જેના પરિણામે હજારો અરજીઓ પેન્ડિંગ (લંબિત) રહી ગઈ છે. નાદિયા જિલ્લાના અરંગહાટામાં કાલી પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરતી વખતે શુક્રવારે તેમણે આ ટિપ્પણી કરી હતી.

CAA હેઠળની તમામ અરજીઓ પર 31 ડિસેમ્બર સુધીમાં કાર્યવાહી 

શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે નાદિયા અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં હાલમાં લગભગ 2.5  લાખ અરજીઓ પેન્ડિંગ છે. આ બંને સરહદી જિલ્લાઓ છે જ્યાં બાંગ્લાદેશથી સ્થળાંતર કરીને આવેલા લોકોની મોટી વસ્તી વસે છે. તેમણે કહ્યું, "CAA (નાગરિકતા સુધારા કાયદો) હેઠળની તમામ પાત્ર અરજીઓ પર 31 ડિસેમ્બર સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. કોઈ પણ પાત્ર અરજદાર બાકી રહી જશે નહીં અને નિર્ધારિત સમયમર્યાદામાં નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવશે તેમણે ઉમેર્યું કે તેમની પાર્ટીએ આ પ્રક્રિયાને ઝડપી બનાવવાની જવાબદારી લીધી છે અને પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે વહીવટી પગલાં શરૂ કરી દીધા છે.

શુભેન્દુ અધિકારીએ વધુમાં સમજાવ્યું, "ગૃહ વિભાગ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટોને તાલીમ આપવામાં આવી છે, જ્યારે સબ-ડિવિઝનલ ઓફિસરો (SDOs) અરજીઓની ચકાસણી પર દેખરેખ રાખશે અને સમયસર ઉકેલ લાવવા માટે સુનાવણી હાથ ધરશે."

ઉલ્લેખનીય છે કે, 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલો નાગરિકતા સુધારા કાયદો (CAA), પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ પૂરો પાડે છે. આ એવા લોકો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કર્યા બાદ 31 ડિસેમ્બર, 2014ના રોજ કે તે પહેલાં ભારતમાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૪માં આ કાયદા હેઠળના નિયમો જાહેર કર્યા, જેનાથી કાયદો પસાર થયાના ચાર વર્ષથી વધુ સમય બાદ તેના અમલીકરણનો માર્ગ મોકળો થયો.

શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા

આ મુદ્દો નાદિયા અને ઉત્તર 24 પરગણામાં, ખાસ કરીને 'મતુઆ' સમુદાયમાં ખૂબ મહત્વ ધરાવે છે. બાંગ્લાદેશથી આવ્યા ત્યારથી જ આ સમુદાયના લોકો કાયદેસર નાગરિકતાનો દરજ્જો મેળવવા માટે પ્રયત્નશીલ છે. શુભેન્દુ અધિકારીએ અગાઉની સરકાર પર ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અવરોધ ઊભો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે પૂર્વ વહીવટીતંત્રે દુર્ગા પૂજાની ઉજવણી અને મૂર્તિ વિસર્જન સરઘસો માટે પરવાનગી આપવામાં પ્રતિબંધો લાદ્યા હતા.

મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કાર્યસૂચિમાં સામેલ

મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે પશ્ચિમ બંગાળ સરકાર 'તીર્થક્ષેત્ર સર્કિટ' (Pilgrimage Circuit) નામની પ્રસ્તાવિત પહેલ હેઠળ, આગામી બે વર્ષમાં જૂના મઠો અને મંદિરોના પુનઃસ્થાપન અને જીર્ણોદ્ધાર પાછળ ₹1000 કરોડનો ખર્ચ કરશે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ટ્રસ્ટો, વિવિધ સંસ્થાઓ અને જાહેર સંગઠનો દ્વારા સંચાલિત ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ થશે; ખાનગી માલિકીની સંસ્થાઓને આમાંથી બાકાત રાખવામાં આવશે.


આ પણ વાંચો: Abhijeet dipke: દીપકેને US, રાંકાને પાકિસ્તાનથી ફંડિંગ, PM Modiના મંત્રીનો મોટો દાવો