પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા નાગરિકોને તેમના દેશમાં પરત મોકલવા માટે ખાસ ‘હોલ્ડિંગ સેન્ટર’ બનાવવાના નિર્દેશો જાહેર કર્યા છે.
તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા જણાવાયું
આ મુદ્દે રાજ્ય સરકાર તરફથી પશ્ચિમ બંગાળના તમામ જિલ્લા અધિકારીઓને લેખિત માર્ગદર્શિકા અને સૂચનાઓ મોકલવામાં આવી છે. તમામ જિલ્લાધિકારીઓને પોતાના વિસ્તારમાં આવા હોલ્ડિંગ સેન્ટર માટે યોગ્ય સ્થળોની ઓળખ કરી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા જણાવાયું છે. ખાસ કરીને સરહદી જિલ્લાઓ અને ગેરકાયદેસર ઘુસણખોરો છુપાયેલા હોવાની શક્યતા ધરાવતા વિસ્તારો પર તંત્રનું ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ડિપોર્ટેશન સુધી સેન્ટરમાં રાખવામાં આવશે
સરકાર દ્વારા બનાવવામાં આવતા આ હોલ્ડિંગ સેન્ટરોનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો પર કડક નજર રાખવાનો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા નાગરિકોને સીધા જેલમાં મોકલવાને બદલે આ સેન્ટરોમાં રાખવામાં આવશે. તેમની ઓળખની પુષ્ટિ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે.
ચૂંટણી દરમિયાન આપ્યું હતું વચન
ઉલ્લેખનીય છે કે ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરોને બહાર કાઢવાનો વાયદો કર્યો હતો. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જેમ આસામમાં ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, તેવી જ રીતે બંગાળમાં પણ ગેરકાયદેસર પ્રવેશ સંપૂર્ણપણે રોકવામાં આવશે. હવે રાજ્યમાં સરકાર બન્યા બાદ પાર્ટી આ વચનને અમલમાં મૂકવા તરફ આગળ વધી રહી છે.
આ પણ વાંચો : વિશ્વ પર Ebola Virusનો ખતરો વધ્યો, ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, જાણો શું આપી સલાહ?