તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પરાજય બાદ મમતા બેનર્જીના અત્યંત વફાદાર ગણાતા કાર્યકરો અને નેતાઓ હવે પક્ષના સૌથી મોટા ટીકાકાર બનીને સામે આવ્યા છે. અત્યાર સુધી ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થા જેવા ગંભીર મુદ્દાઓ પર મૌન સેવનારા નેતાઓએ હવે ખુલ્લેઆમ બળવો કર્યો છે. પક્ષના વિરોધમાં સૌથી મોટો મુદ્દો કોલકાતાની આર.જી. કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાનો છે, જેને લઈને બંગાળની જનતા અને ખાસ કરીને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી.
"TMC ની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે": સુખેન્દુ શેખર રોય
આ કટોકટી વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે પક્ષના વિઘટનની મોટી આગાહી કરી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ હવે થોડા જ દિવસોની મહેમાન છે અને તે ટૂંક સમયમાં જ ખતમ થઈ જશે. પક્ષે રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે અને હવે કોઈ પણ રાજકીય પક્ષ ટીએમસી સાથે હાથ મિલાવવા તૈયાર નથી.
હારનું મુખ્ય કારણ બની આ ઘટના
આર.જી. કાર હોસ્પિટલના કેસ અંગે તેમણે જણાવ્યું કે સરકારે અને પોલીસે આ મામલાને ખૂબ જ ખોટી રીતે હેન્ડલ કર્યો અને ગુનેગારોને બચાવવાનો સ્પષ્ટ પ્રયાસ થયો, જેનાથી જનતા પક્ષની વિરુદ્ધ થઈ ગઈ. તેમણે વધુમાં ઉમેર્યું કે પક્ષના નેતાઓએ ભ્રષ્ટાચારનો અકલ્પનીય પર્વત ખડક્યો છે, જેને નિયંત્રિત કરવામાં મમતા બેનર્જી નિષ્ફળ ગયા છે. મમતા દ્વારા હિન્દુ ધર્મ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓએ પણ લોકોને ગુસ્સે કર્યા, જે હારનું મુખ્ય કારણ બન્યું.
I-PAC અને અભિષેક બેનર્જી પર ગંભીર આક્ષેપો
સુખેન્દુ શેખરે પક્ષની આ દશા માટે પ્રશાંત કિશોરની સંસ્થા I-PAC ને જવાબદાર ઠેરવી છે. પક્ષમાં સેકન્ડ-ઇન-કમાન્ડ ગણાતા અભિષેક બેનર્જીએ ચૂંટણી વ્યુહરચના માટે I-PAC ની નિમણૂક કરી હતી. વરિષ્ઠ નેતાઓના વિરોધ છતાં 2021ની જીતે ટીકાકારોને શાંત કર્યા હતા, પરંતુ આ વખતે આરોપો ગંભીર છે. એવો દાવો કરાયો છે કે I-PAC ને પક્ષનો નાશ કરવાની છૂટ અપાઈ હતી અને તેના કારણે સામાન્ય નેતાઓ માટે મમતા સુધી પહોંચવું અશક્ય બન્યું હતું. એટલું જ નહીં, લાંચના બદલામાં પક્ષના હોદ્દા વેચવામાં આવ્યા હોવાના પણ આરોપો લાગ્યા છે.
રાજીનામાનો દોર અને પક્ષની કાર્યવાહી
પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપનાર સાંસદ કાકોલી ઘોષે પણ પોતાના પત્રમાં આવા જ આક્ષેપો કર્યા છે. તેમણે લખ્યું કે પક્ષની અંદર અલોકતાંત્રિક અને શંકાસ્પદ બાહ્ય પ્રભાવ (I-PAC) વધી ગયો છે. આ સિવાય શિક્ષક ભરતી કૌભાંડ, જાહેર વિતરણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને આર.જી. કાર હોસ્પિટલની ઢાંક પીછોડીએ જનતામાં અવિશ્વાસ પેદા કર્યો છે. ભૂતપૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીએ પણ આ પરિણામ માટે મમતા અને અભિષેક બેનર્જી બંનેને જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ, ટીએમસીએ હવે પક્ષની જાહેરમાં ટીકા કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે અને આ માટે પાંચ સભ્યોની સમિતિ બનાવીને પક્ષના પ્રવક્તા રિજુ દત્તાને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: વૈશ્વિક તણાવ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં ધડાધડ વધારો ! જાણો આજનો લેટેસ્ટ રેટ...