તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી, જેઓ થોડા દિવસો પહેલા સુધી પક્ષના વડા મમતા બેનર્જીને ખુલ્લું અલ્ટીમેટમ આપી રહ્યા હતા, તેમના તેવર હવે અચાનક નરમ પડ્યા છે. પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર આકરા પ્રહારો કર્યા બાદ, હવે કલ્યાણ બેનર્જીએ સમાધાનકારી વલણ અપનાવ્યું છે. તેમણે અભિષેક બેનર્જીને પોતાના પુત્ર સમાન ગણાવ્યા છે અને કહ્યું છે કે પુત્રની ભૂલોને માફ કરવી એ પિતાની ફરજ છે.
અભિષેક તો મારા દીકરા જેવા- કલ્યાણ બેનર્જી
TMC પક્ષની અંદર ચાલી રહેલા આંતરિક વિખવાદના સમાચારો વચ્ચે, શનિવારે સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરતા કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે, તે (અભિષેક) મારા દીકરા જેવો છે. દીકરાની તમામ ભૂલોને માફ કરવી એ પિતાનું કામ છે.
કલ્યાણ બેનર્જીનું આ નવું નિવેદન ચાલુ સપ્તાહની શરૂઆતમાં તેમણે કરેલી ટિપ્પણીઓથી તદ્દન વિપરીત છે. અગાઉ તેમણે અભિષેક બેનર્જી પર ભારે અહંકારી હોવાનો આરોપ લગાવ્યો હતો અને પક્ષની વર્તમાન નબળી સ્થિતિ માટે તેમને જ જવાબદાર ઠેરવ્યા હતા.
પહેલા અભિષેક બેનર્જીને કહ્યો અહંકારી
તેમણે અગાઉ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "તે ખૂબ જ અહંકારી વ્યક્તિ છે. એ સમજવું પડશે કે અભિષેક બેનર્જીના કારણે જ આજે પાર્ટી બરબાદ થઈ ગઈ છે અને આપણે ઘણું ગુમાવ્યું છે. પક્ષમાં દરેક વ્યક્તિ આ જ વાત કહી રહી છે." કલ્યાણ બેનર્જીએ મમતા બેનર્જીને સ્પષ્ટ અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, "અમારી અથવા અભિષેકમાંથી કોઈ એકની પસંદગી કરો." તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે જો મમતા બેનર્જી તેમના ભત્રીજાનો સાથ આપશે, તો તેઓ કોઈ અન્ય આકરો નિર્ણય લેવા મજબૂર થશે. જો કે, શનિવારના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમના વલણમાં મોટો નરમાશ આવ્યો છે.
પશ્ચિમ બંગાળની લોકશાહી પર ચિંતા
આ દરમિયાન કલ્યાણ બેનર્જીએ પશ્ચિમ બંગાળની વર્તમાન રાજકીય સ્થિતિ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં લોકશાહી જોખમમાં છે. પશ્ચિમ બંગાળમાં ક્યારેય એવી સ્થિતિ નહોતી જ્યાં વિપક્ષને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવ્યો હોય. તેમણે મુખ્યમંત્રી પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા આ સ્થિતિને લોકશાહી માટે મોટો ખતરો ગણાવ્યો હતો.
કોંગ્રેસ સાથે વિલયની અટકળો ફગાવી
બાગી સાંસદોના જૂથ દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો સંપર્ક કરવાની ચાલી રહેલી અટકળો પર પણ કલ્યાણ બેનર્જીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમને જે કરવું હોય તે કરવા દો, આખરે તેમણે ભાજપના શરણે જ જવું પડશે. આ બધી માત્ર ચાલબાજી છે. તેઓ પોતાના મતવિસ્તારના વિકાસનું બહાનું ધરે છે, પરંતુ જે લોકો પોતાના વિસ્તારની મુલાકાત પણ નથી લેતા, તેઓ શું કામ કરવાના? ભાજપ અને પોલીસ આપણને હેરાન કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં કોઈ વિપક્ષે ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કર્યો નથી.
તેમણે ભાજપમાં જોડાનારા સાંસદો અંગે દાવો કર્યો કે ભાજપ પણ આ 19 સાંસદોને સ્વીકારશે નહીં. આ સાથે જ તેમણે TMC અને કોંગ્રેસ વચ્ચેના સંભવિત વિલય (Merger)ની અટકળોને સદંતર ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે, અમે કોંગ્રેસ સાથે કોઈ વિલય કરી રહ્યા નથી.
આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?