પશ્ચિમ બંગાળમાં નવી સરકારના આગમન સાથે જ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં વર્ષોથી અટકેલી કેન્દ્રીય યોજનાઓ અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે કેન્દ્રએ કમર કસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો પાસે એવી યોજનાઓની યાદી માંગી છે જે છેલ્લા 12 વર્ષથી મમતા બેનર્જી સરકારના વિરોધ અથવા વહીવટી અવરોધોને કારણે લંબિત હતી. આ સમગ્ર પ્રક્રિયાની જવાબદારી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને સોંપવામાં આવી છે. કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય નવી સરકારના શપથ ગ્રહણ બાદ તુરંત જ આ અવરોધો દૂર કરી વિકાસકાર્યો શરૂ કરવાનો છે.
મુખ્ય યોજનાઓ જે હવે વેગ પકડશે
કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંઘર્ષને કારણે અનેક યોજનાઓ પ્રભાવિત થઈ હતી, જે હવે પ્રાથમિકતાના ધોરણે લાગુ કરવામાં આવશે:
આયુષ્માન ભારત: મમતા સરકારની 'સ્વાસ્થ્ય સાથી' યોજનાને કારણે આ યોજના રોકાયેલી હતી. હવે નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ તેને મંજૂરી મળે તેવી શક્યતા છે, જેનાથી પરિવારોને 5 લાખ સુધીનું મફત સ્વાસ્થ્ય વીમા કવચ મળશે
પીએમ કિસાન સન્માન નિધિ: લાભાર્થીઓના વેરિફિકેશન મુદ્દે ચાલી રહેલી ખેંચતાણનો અંત આવશે અને ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે.. મમતા સરકાર કૃષક બંધુ યોજનાને પ્રાથમિકતા આપતા રહ્યા જો કે તેને આઁશિક રૂપથી જ લાગુ કરવામાં આવી છે.
મનરેગા (MGNREGA): આ યોજનામાં મનરેગાના ફંડને કથિત ગેરરીતિઓને કારણે કેન્દ્ર દ્વારા રોકી દેવામાં આવ્યું હતું. હવે કેન્દ્ર તેને નવા માળખા સાથે જાહેર કરવાની તૈયારીમાં છે.
પીએમ આવાસ યોજના: પ્રધાનમંત્રી આવાસ યોજના નામ બદલીને 'બાંગ્લા આવાસ યોજના' કરવા અને તેમાં કથિત અનિયમિતતા બાદ 2022થી ફંડિંગ અટક્યુ હતું. હવે આ યોજનાને ફરીથી સક્રિય કરવાની તૈયારી છે.
જલ જીવન મિશન અને પીએમ મત્સ્ય સંપદા: આ યોજનાઓ હેઠળ ફાળવવામાં આવેલા ફંડનો હવે અસરકારક ઉપયોગ કરવામાં આવશે.
માળખાગત સુવિધાઓ અને અન્ય પ્રોજેક્ટ્સ
લાંબા સમયથી જમીન સંપાદન અને વહીવટી મંજૂરીના અભાવે અટકેલા પ્રોજેક્ટ્સ પર હવે ધ્યાન કેન્દ્રિત કરાશે:
1. નમામિ ગંગે: જમીનના અભાવે લંબિત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સનું કામ શરૂ કરાશે.
2. બોર્ડર ફેન્સિંગ: આંતરરાષ્ટ્રીય સરહદ પર સંવેદનશીલ વિસ્તારોમાં ફેન્સિંગ માટે જમીન ઉપલબ્ધ કરાવી તેને પ્રાથમિકતા અપાશે.
3. શિક્ષણ અને માર્ગ: 'પીએમ શ્રી સ્કૂલ', નવી શિક્ષણ નીતિ અને પીએમ ગ્રામ સડક યોજના હેઠળના પ્રોજેક્ટ્સને ગતિ અપાશે.
4. ખેતીવાડી: પીએમ ફસલ વીમા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ અને પીએમ-પ્રણામ જેવી યોજનાઓનો વ્યાપ વધારવામાં આવશે.
કેન્દ્રની વ્યૂહરચના
કેન્દ્ર સરકારની રણનીતિ સ્પષ્ટ છે: વર્ષોથી અટકેલા કામો ઝડપથી પૂરા કરીને જમીન સ્તર પર 'ડબલ એન્જિન સરકાર'ની અસર બતાવવી. કેન્દ્રીય યોજનાઓનો સીધો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને વિકાસની ગતિને નવી ઊંચાઈએ લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો- Shani Amavasya 2026: 16મેએ શનિનું મહાગોચર, 5 રાશિની તિજોરી ભરાશે એ નક્કી !