પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 500 કંપનીઓને તૈનાત કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે રાજ્યની વર્તમાન સુરક્ષા સ્થિતિની ઊંડી સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ નિર્ણય લેવાયો કે રાજ્યમાંથી હવે કેન્દ્રીય દળોની કંપનીઓને તબક્કાવાર હટાવી લેવામાં આવશે. પ્રથમ તબક્કામાં 100 કંપનીઓ એટલે કે 10 હજાર જવાનોને પશ્ચિમ બંગાળથી પરત બોલાવવાનો આદેશ જાહેર કરાયો હતો. હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આગ્રહ કર્યો છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 180 દિવસ એટલે કે ઓક્ટોબર સુધી સીએપીએફની 500 કંપનીઓની તૈનાતીને યથાવત રાખવામાં આવે. ગૃહ મંત્રાલયે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના આગ્રહ પર વિચાર કર્યો અને 20 જૂન સુધી કેન્દ્રીય અર્ધસૈનિક દળો (CAPF) ની 500 કંપનીઓને રાજ્યમાં તૈનાત રાખવાનો આદેશ જાહેર કર્યો છે.
ગૃહ મંત્રાલયે ગયા અઠવાડિયે આપ્યો હતો આ આદેશ
કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ગયા અઠવાડિયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપીને સંદેશ મોકલવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં તૈનાત કેન્દ્રીય અર્ધસૈનિક દળો 'CAPF' ની કંપનીઓને હવે તબક્કાવાર હટાવવામાં આવશે. રાજ્યમાં ચૂંટણી પૂરી થયા બાદ કેન્દ્રીય દળોના તમામ જવાનોને ત્યાંથી હટાવવામાં આવ્યા નહોતા. અગાઉ ચૂંટણી પૂરી થયા પછી રાજ્યના ઘણા ભાગોમાં હિંસાની ઘટનાઓ જોવા મળી હતી. આ વખતે તેવી ઘટનાઓ ન બને તે માટે ચૂંટણી સંપન્ન થયા પછી પણ બંગાળમાં કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 500 કંપનીઓ તૈનાત રાખવામાં આવી હતી.
