પશ્ચિમ બંગાળમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની પ્રક્રિયા હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડ, ગુજરાત અને આસામ બાદ હવે રાજ્ય સરકારે UCC બિલ-2026ના ડ્રાફ્ટની સમીક્ષા માટે નવ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી છે. નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષસ્થાને બનેલી આ સમિતિને ચાર અઠવાડિયામાં પોતાની ભલામણો સાથેનો અહેવાલ સરકારને સોંપવાનો સમય આપવામાં આવ્યો છે. 

વિધાનસભા સત્રમાં UCC બિલ રજૂ થઈ શકે

અહેવાલના આધારે રાજ્ય સરકાર ઓગસ્ટમાં યોજાનારા વિધાનસભા સત્રમાં UCC બિલ રજૂ કરી શકે છે. સમિતિમાં મેઘાલયના પૂર્વ રાજ્યપાલ તથાગત રોય, વરિષ્ઠ IAS અધિકારીઓ, ગૃહ વિભાગના અધિકારીઓ, કાનૂની નિષ્ણાતો અને શિક્ષણવિદો સહિત કુલ નવ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોના અભિપ્રાયો પણ મેળવશે, જેથી કાયદો તૈયાર કરતી વખતે જનમતને મહત્વ આપવામાં આવે.

શું છે કડક નિયમો?

પ્રસ્તાવિત UCC ડ્રાફ્ટમાં એકથી વધુ લગ્ન પર પ્રતિબંધ, પુરુષ અને મહિલાને પિતૃ સંપત્તિમાં સમાન અધિકાર, બાળલગ્ન રોકવા માટેના કડક નિયમો તેમજ લિવ-ઈન રિલેશનશિપ માટે સંભવિત રજિસ્ટ્રેશન વ્યવસ્થા જેવા મુદ્દાઓનો સમાવેશ થઈ શકે છે. રાજ્ય સરકાર ઉત્તરાખંડ, ગુજરાત અને આસામના UCC મોડલનો પણ અભ્યાસ કરી રહી છે. અન્ય રાજ્યોની જેમ આદિવાસી સમુદાયોને કાયદાના દાયરાથી બહાર રાખવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાજપે કર્યો હતો વાયદો

આ મુદ્દે પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ભાજપે ચૂંટણી દરમિયાન સરકાર બન્યાના 6 મહિનામાં UCC અમલમાં લાવવાનો વાયદો કર્યો હતો. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે (TMC) આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પક્ષના નેતાઓને વિધાનસભાની અંદર અને બહાર બિલનો વિરોધ કરવા સૂચના આપી છે. વિરોધ પક્ષનું માનવું છે કે વ્યક્તિગત અને પારિવારિક કાયદાઓને અસર કરતા આવા મહત્વપૂર્ણ કાયદા પહેલાં વ્યાપક જનપરામર્શ જરૂરી છે.

આ પણ વાંચો : Ram Mandir Donation Row: મંદિરમાં રોકડ દાનમાં ઘટાડો, 100-500ની નોટો ઘટી