દેશમાં NEET UGની પરીક્ષાનું પેપર લીક થયા બાદ ટેલિગ્રામ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ટેલીગ્રામ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જે અંગે દિલ્હી હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કેન્દ્ર સરકારને સમગ્ર મામલે થયેલી સુનાવણીમાં એવો પણ સવાલ કર્યો હતો કે, ટેલિગ્રામ યુઝર્સના અધિકારોને કેવી રીતે છીનવી શકાય? કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, પેપર લીક મામલે ટેલિગ્રામ પર જે થયું તે અન્ય પ્લેટફોર્મ પર શક્ય નથી કારણ કે ટેલિગ્રામ એક એવી પેટર્ન છે જે તેને રોકવા માટે કશું જ કરી શકે તેમ નથી. સરકારે કોર્ટમાં એવી પણ દલીલ કરી હતી કે, આતંકી પ્રવૃત્તિ માટે પણ ટેલિગ્રામનો વધુ ઉપયોગ થઈ રહ્યો હોવાનો રિપોર્ટ પણ છે. ટેલિગ્રામમાં એક ગ્રુપમાં બે લાખ સુધીના સભ્યો જોડાઈ શકે છે. આ ઉપરાંત તેમાં સંપર્ક નંબર જાહેર કર્યા વિના પણ ચેટિંગ થઈ શકે છે. સરકારની આ દલીલ બાદ ટેલિગ્રામની સાથે સાથે ડાર્ક વેબ પણ ચર્ચામાં આવ્યું છે. જાણો આજના સંદેશ ડિજિટલ Explainerમાં ડાર્ક વેબ શું છે, વિશ્વની સરકારો અને તપાસ એજન્સીઓ તેની સામે ખૂબજ સતર્ક કેમ છે.


લોકો ઈન્ટરનેટને શું માને છે? 

આપણાં દેશમાં મોટાભાગના લોકો ગૂગલ અને તે સિવાયના સર્ચ એન્જિન પર જે દેખાય છે તેને ઈન્ટરનેટ સમજે છે.નિષ્ણાંતોના મત મુજબ,ગૂગલ,બિંગ અને અન્ય સર્ચ એન્જિન ઈન્ટરનેટના એક ભાગને જ ઈન્ડેક્સ કરે છે.તેને સર્ફેસ વેબ તરીકે ઓળખવામાં આવે છે.જેમાં સમાચાર વેબસાઈટ,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ,ઈકોમર્સ વેબસાઈટ અને સાર્વજનિક વેબ પેજ ઉપલબ્ધ હોય છે.પરંતુ લોકોને એ ખબર નથી હોતી કે આ તમામ વેબ પેજની સાથે એક એક ડીપ વેબ ઉપસ્થિત હોય છે.જેમાં ઈમેલ એકાઉન્ટ, બેકિંગ પોર્ટલ, મેડિકલ રેકોર્ડ,સરકારી ડેટા બેઝ અને પાસવર્ડથી સુરક્ષિત રહેલી ઓનલાઈન સેવાઓનો સમાવેશ થાય છે.આ હિસ્સો સામાન્ય સર્ચ એન્જિન પર દેખાતો નથી.તેની નીચેનો એક નાનકડો હિસ્સો ડાર્કવેબ તરીકે જાણીતો છે.ત્યાં પહોંચવા માટે ખાસ સોફ્ટવેરની જરૂર પડે છે.  


ડાર્ક વેબ કેમ ચર્ચામાં આવ્યું?

ડાર્ક વેબ એવી વેબસાઈટ્સનું નેટવર્ક છે જેને સામાન્ય બ્રાઉઝર અથવા સર્ચ એન્જિન દ્વારા એક્સેસ નથી કરી શકાતું.આ વેબસાઈટો સુધી પહોંચવા માટે સામાન્ય રીતે ટૉરનો ઉપયોગ કરવામાં આવે છે જેનું પૂરૂ નામ ધ ઓનિયન બ્રાઉઝર છે.આ ટેકનિક ઈન્ટરનેટ પર યુઝર્સની ઓળખ અને લોકેશનને સંતાડવા માટે ઉપયોગમાં લેવાઈ હતી.ટૉર પ્રોજેક્ટનું કહેવું છે કે,તેનો મુખ્ય હેતુ લોકોને ઓનલાઈન ગોપનિયતા અને સુરક્ષિત સંચાર ઉપલબ્ધ કરાવવાનો છે.સરળ રીતે કહીએ તો ડાર્ક વેબ ઈન્ટરનેટનો એક છપો હિસ્સો છે જ્યાં સામાન્ય સર્ચ એન્જિન જેવા કે ગૂગલ અને બિંગ પહોંચી નથી શકતા.તેને સામાન્ય રીતે ગુનાખોરી, હૈકિંગ, ગેરકાયદેસર કારોબાર અને ગુપ્ત ગતિવિધિઓ સાથે જોડવામાં આવે છે.કારણ કે તેની પર ઓળખ છુપાવવા અને ડેટાને સુરક્ષિત રાખવા માટે ખાસ એન્ક્રિપ્શન અને ગુપ્ત ટેકનિકનો ઉપયોગ કરાય છે. 

લોકો ઓળખ છુપાવીને ડાર્કવેબનો ઉપયોગ કરે છે

ડાર્ક વેબની વાત માત્ર ગુનાખોરી સુધી સિમિત નથી.તેના સમર્થકોનું માનવું છે કે,વિશ્વના અનેક દેશોમાં રીપોર્ટર,માનવ અધિકાર સાથે જોડાયેલા કાર્યકરો,રાજકીય કાર્યકરો અને વ્હિસલ બ્લોઅર્સ માટે તે સુરક્ષિત મંચ છે.જે લોકો સરકારની નજર અથવા તો સેન્સરશિપના ડરને કારણે પોતાની રજૂઆત નથી કરી શકતા તેઓ માહિતી એકઠી કરવા માટે પોતાની ઓળખ છુપાવીને ડાર્કવેબનો ઉપયોગ કરે છે.ડાર્ક વેબની શરૂઆત,તેની કામ કરવાની પદ્ધતિ,સાયબર ગુનામાં તેની ભૂમિકા અને વિશ્વના દેશોમાં ઈન્ટરનેટ સેન્સરશીપ જેવા મુદ્દાઓ પર વિગતે વાતો કરવામાં આવી છે. જેમાં એવુ સમજાવાયું છે કે,ડાર્ક વેબને માત્ર ગુનાખોરીની રીતે જોવું એ સંપૂર્ણ નથી કારણ કે અનેક લોકો માટે તે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગુપ્તતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 


તો શું ડાર્ક વેબ ગેરકાયદેસર છે?

ડાર્ક વેબ ગેરકાયદેસર છે આ ડાર્ક વેબ સાથે જોડાયેલો સૌથી મોટો ભ્રમ છે. અમેરિકા, યુરોપ અને ભારત સહિતના મોટાભાગના દેશોમાં ટૉર બ્રાઉઝરનો ઉપયોગ કરવો કે ડાર્ક વેબ સુધી પહોંચવું એ ગેરકાયદેસર માનવામાં આવતું નથી.જોકે,ત્યાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે કાયદાના દાયરામાં આવે છે.જો કોઈ વ્યક્તિ પત્રકારત્વ,સંશોધન,ગુપ્ત સંવાદ અથવા સેન્સરશિપથી બચવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરે છે તો તે અલગ બાબત છે.પરંતુ જો કોઈ ગેરકાયદેસર સામગ્રી ખરીદવા, ડેટા ચોરી કરવા કે સાયબર ક્રાઇમ કરવા માટે આનો ઉપયોગ કરે છે તો તે કાયદાનું ઉલ્લંઘન ગણાશે.


સુરક્ષા જોખમોને ગંભીરતાથી જોવાની જરૂર 

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કોર્ટમાં એક મહત્વપૂર્ણ વલણ અપનાવતા કહ્યું કે,ટેલિગ્રામ જેવા એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મ હવે ઘણી રીતે નવા ડાર્ક વેબની જેમ કામ કરવા લાગ્યા છે.સરકારની દલીલ છે કે આવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ એન્ક્રિપ્શન,અનામી ઓળખ અને મોટા પાયે પ્રાઇવેટ ચેનલો તેમજ ગ્રૂપ્સની સુવિધાનો ફાયદો ઉઠાવીને સાયબર ગુનેગારો,ઠગ અને સંગઠિત ગુનાખોરીની ટોળકીઓ પોતાની પ્રવૃત્તિઓ છુપાવીને ચલાવી શકે છે.આ પ્લેટફોર્મ્સનું ટેકનિકલ માળખું કેટલીકવાર તપાસ એજન્સીઓ માટે ગુનેગારો સુધી પહોંચવું મુશ્કેલ બનાવી દે છે. જેનાથી ગેરકાયદેસર વેપાર,સાયબર છેતરપિંડી,ડેટા ચોરી,પેપર લીક અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી શકે છે.આ જ કારણે કેન્દ્ર સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે આવા પ્લેટફોર્મ્સના વધતા ઉપયોગ અને તેની સાથે જોડાયેલા સુરક્ષા જોખમોને ગંભીરતાથી જોવાની જરૂર છે.

આ પણ વાંચોઃ Gujarat Weather: આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ



  • Follow us on: