શશિ થરૂરે નોકરી શોધનારાઓ, ખાસ કરીને શિક્ષિત યુવાનો સામે ઊભા થયેલા આર્થિક સંકટ તરફ ધ્યાન દોર્યું. તેમણે નોંધ્યું કે સામાન્ય જનતા વારંવાર તેમને જણાવે છે કે રોજગાર મેળવવો કેટલો મુશ્કેલ બની ગયો છે.
શશી થરૂરે પીએમ મોદીના નિવેદનનુ સમર્થન કર્યુ
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કોર્પોરેટ ક્ષેત્ર માટે PM નરેન્દ્ર મોદીના સંદેશનું ખુલ્લેઆમ સમર્થન કર્યું. જેમાં તેમણે નવી નોકરીઓનું સર્જન કરવા અને કર્મચારીઓના વેતનમાં વધારો કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનની ટિપ્પણી પાછળની વાસ્તવિકતા સ્વીકારવાની સાથે, થરૂરે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું અને બેરોજગારી, નિયમનકારી અવરોધો અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો.
FICCI (ફિક્કી)ની વાર્ષિક સામાન્ય સભામાં PM મોદીના સંબોધન પર પ્રતિક્રિયા આપતા, થરૂરે કહ્યું કે વડાપ્રધાનના પ્રશ્નમાં રહેલી ટીકામાંથી ખાનગી કંપનીઓને સંપૂર્ણપણે મુક્ત કરવી મુશ્કેલ છે. વડાપ્રધાને પ્રશ્ન કર્યો હતો કે, શું સરકારે આપેલા ટેક્સમાં ઘટાડાના બદલામાં કોર્પોરેટ ક્ષેત્રે રોજગાર વધારવા અને પગાર સુધારવા માટે કોઈ પગલાં લીધાં છે? તેમણે કહ્યું, "મને લાગે છે કે વડાપ્રધાનની ટીકામાંથી કંપનીઓને સંપૂર્ણપણે નિર્દોષ ઠેરવવી ખૂબ મુશ્કેલ છે."
વડાપ્રધાન મોદીએ જે કહ્યું તે વાસ્તવિકતા છે: થરૂર
સોમવારે (23 નવેમ્બર, 2026) સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું, મારું માનવું છે કે વડાપ્રધાને જે કહ્યું તે વાસ્તવિકતા છે. ભલે કોર્પોરેટ કંપનીઓ પોતાની રીતે સ્પષ્ટતાઓ આપે, પરંતુ વડાપ્રધાનની વાતને હું જે રીતે સમજું છું તે મુજબ, સરકારે કરમાં ઘટાડો એટલા માટે કર્યો હતો જેથી આ કંપનીઓ રોકાણ વધારે, વધુ રોજગારીનું સર્જન કરે અને કર્મચારીઓના પગારમાં વધારો કરે પરંતુ આ કંપનીઓ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે.
https://x.com/ANI/status/2124707653033283768?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2124707653033283768%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
જનતા કહે છે નોકરી મેળવવી અત્યંત મુશ્કેલ- થરૂર
વધુમાં, શશિ થરૂરે નોકરી શોધનારાઓ, ખાસ કરીને શિક્ષિત યુવાનો સામેના આર્થિક સંકટ પર ભાર મૂક્યો. તેમણે પગારદાર રોજગાર અથવા વેતનના સ્તરમાં વધારો થયો હોવાના મીડિયા અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા અને ભારપૂર્વક કહ્યું કે રાજકારણીઓ જનતા પાસેથી મળતા સીધા પ્રતિસાદના આધારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે.
"રાજકારણીઓ તરીકે, અમે ફક્ત તે જ જણાવી શકીએ છીએ જે અમે અમારી આસપાસ જોઈએ છીએ અને લોકો પાસેથી સાંભળીએ છીએ. જનતા અમને કહે છે કે નોકરી મેળવવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. ઉદાહરણ તરીકે, આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ IIT વિદ્યાર્થીને પ્લેસમેન્ટ (નોકરી) મળી નથી."
રોજગારની અત્યંત નિરાશાજનક સ્થિતિ - થરૂર
તેમણે ઉમેર્યું, "અમે પહેલાં ક્યારેય આવું કંઈ સાંભળ્યું નથી. આ રોજગારની અત્યંત નિરાશાજનક સ્થિતિ તરફ નિર્દેશ કરે છે. જો હું ભૂલતો ન હોઉં, તો કદાચ આપણે અત્યારે બેરોજગાર કોલેજ સ્નાતકોની ટકાવારીના મામલે વૈશ્વિક રેકોર્ડ બનાવી રહ્યા છીએ. આ સ્થિતિ કુલ સંખ્યાની દ્રષ્ટિએ અને નોકરી શોધનારાઓમાં આવા વ્યક્તિઓની ટકાવારીની દ્રષ્ટિએ બંને રીતે જોવા મળે છે. આ એક ગંભીર બાબત છે.
આ પણ વાંચો: Coriander Chutney: કોથમીરની ચટણી કેટલા દિવસ સારી રહે છે ? જાણો સિક્રેટ રેસિપી