ભારતમાં શાળાઓમાં સ્વચ્છતા સુવિધાઓનો અભાવ એક ગંભીર સમસ્યા બની રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને સંયુક્ત રાષ્ટ્ર બાળ ભંડોળ (UNICEF)ના સંયુક્ત દેખરેખ કાર્યક્રમ (JMP)ના અહેવાલમાં ખુલાસો થયો છે કે વિશ્વમાં શાળાઓમાં સ્વચ્છતા સેવાઓથી વંચિત બાળકોનો મોટો હિસ્સો ભારતમાં છે. અહેવાલ અનુસાર, વર્ષ 2025માં વિશ્વભરમાં આશરે 24.4 કરોડ બાળકોને શાળાઓમાં સ્વચ્છતા સેવાઓ ઉપલબ્ધ નહોતી. તેમાંથી લગભગ પાંચ કરોડ બાળકો ભારતમાં હતાં. આ આંકડો વિશ્વના અન્ય કોઈપણ દેશ કરતાં વધુ છે.

WHO અને UNICEFના રિપોર્માંટ મોટો ખુલાસો

‘શાળાઓમાં પીવાનું પાણી, સ્વચ્છતા અને સફાઈની પ્રગતિ 2015-2025’ શીર્ષક હેઠળ જાહેર થયેલા અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં સ્વચ્છતા સેવાઓથી વંચિત શાળાઓની સંખ્યામાં મૂલ્યાંકનના સમયગાળા દરમિયાન 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે, આ સુધારા છતાં મોટી સંખ્યામાં બાળકોને હજુ પણ શાળામાં જરૂરી સ્વચ્છતા સુવિધાઓ મળતી નથી.

school

WHO અને UNICEFનો સંયુક્ત દેખરેખ કાર્યક્રમ વિશ્વભરમાં પીવાના પાણી, સ્વચ્છતા અને સફાઈ (WASH) ક્ષેત્રે થયેલી પ્રગતિનું મૂલ્યાંકન કરે છે. આ કાર્યક્રમ વિવિધ દેશોના આંકડાઓના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે તુલનાત્મક અહેવાલ તૈયાર કરે છે અને ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિ પર નજર રાખે છે.

વર્ષ 2030 સુધીના લક્ષ્યો શું છે?

સંયુક્ત રાષ્ટ્રના વર્ષ 2030ના ટકાઉ વિકાસના એજન્ડામાં શિક્ષણ અને સ્વચ્છતાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ચોથા ટકાઉ વિકાસ લક્ષ્યનો હેતુ દરેક બાળકને સર્વસમાવેશક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો તેમજ આજીવન શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

આ લક્ષ્ય હેઠળ શાળાઓમાં બાળકો, દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને છોકરા-છોકરીઓની અલગ અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. શાળાઓમાં સુરક્ષિત અને અસરકારક શિક્ષણનું વાતાવરણ ઊભું કરવું પણ આ લક્ષ્યનો મહત્વનો ભાગ છે.

પીવાના પાણી અને સ્વચ્છતા પર વિશેષ ભાર

છઠ્ઠા ટકાઉ વિકાસ લક્ષ્યનો હેતુ દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી અને સ્વચ્છતા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ અંતર્ગત શાળાઓમાં પીવાનું સુરક્ષિત પાણી, યોગ્ય શૌચાલય અને સ્વચ્છતાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની જોગવાઈ 

રિપોર્ટ મુજબ, શાળામાં મૂળભૂત પીવાના પાણીની સુવિધા ત્યારે ગણાય છે, જ્યારે ત્યાં કાર્યરત અને સુધારેલા જળસ્રોતની ઉપલબ્ધતા હોય. તેવી જ રીતે, મૂળભૂત સ્વચ્છતા સુવિધામાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શૌચાલય હોવાં જોઈએ અને તે ઉપયોગ માટે યોગ્ય સ્થિતિમાં હોવાં જરૂરી છે.

ભારત ઉપરાંત આ દેશોમાં પણ મોટી સમસ્યા

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2025માં શાળાઓમાં સ્વચ્છતા સેવાઓથી વંચિત બાળકોની સંખ્યા ભારતમાં પાંચ કરોડ હતી. ત્યારબાદ નાઇજીરિયામાં 3.4 કરોડ, ઇથિયોપિયામાં 2.6 કરોડ, કોંગો લોકશાહી ગણરાજ્યમાં 1.1 કરોડ અને ઇન્ડોનેશિયામાં 80 લાખ બાળકો આ સુવિધાથી વંચિત હતાં.

આ આંકડા દર્શાવે છે કે શાળાઓમાં સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવી વૈશ્વિક સ્તરે મોટો પડકાર છે. ભારતમાં છેલ્લા દાયકામાં થયેલો સુધારો નોંધપાત્ર હોવા છતાં, કરોડો બાળકો સુધી મૂળભૂત સ્વચ્છતા સેવાઓ પહોંચાડવા માટે હજુ વધુ પ્રયાસોની જરૂર છે. શાળાઓમાં યોગ્ય શૌચાલય, સ્વચ્છ પાણી અને નિયમિત સફાઈની વ્યવસ્થા બાળકોના આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ માટે અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો: UP Rajya Sabha Elections 2026: યુપીમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણીનો જંગ, સ્મૃતિ ઈરાની અને વરુણ ગાંધીનાં નામની ચર્ચા