મહારાષ્ટ્રમાં કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આમાંથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં મતદાન પદ્ધતિ જુદી છે, જ્યારે બાકીની 28 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં નવી બહુ-સભ્ય વોર્ડ સિસ્ટમ અમલમાં છે. આ કારણે મુંબઈમાં એક મત અને અન્ય શહેરોમાં 4 મત આપવામાં આવે છે.

“એક વોર્ડ – એક કોર્પોરેટર” પદ્ધતિ

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પરંપરાગત “એક વોર્ડ – એક કોર્પોરેટર” પદ્ધતિ યથાવત રાખવામાં આવી છે. એટલે કે મુંબઈમાં કુલ 227 વોર્ડ છે અને દરેક વોર્ડમાંથી એક જ કાઉન્સિલર ચૂંટાશે. તેથી મુંબઈના મતદારને ફક્ત એક મત આપવાનો અધિકાર મળે છે. પરંતુ મુંબઈ સિવાયની 28 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં રાજ્ય સરકારે “બહુ-સભ્ય વોર્ડ સિસ્ટમ” લાગુ કરી છે. આ પદ્ધતિ હેઠળ 4 વોર્ડને એક જૂથ તરીકે ગણવામાં આવે છે અને તે જૂથમાંથી 4 કાઉન્સિલરો ચૂંટવામાં આવે છે. પરિણામે, એક મતદારને 4 અલગ-અલગ ઉમેદવારોને મત આપવાની તક મળે છે.

બહુ-સભ્ય વોર્ડ સિસ્ટમ શું છે?

બહુ-સભ્ય વોર્ડ સિસ્ટમ એવી વ્યવસ્થા છે જેમાં એક જ વોર્ડ અથવા વોર્ડના જૂથમાંથી એકથી વધુ પ્રતિનિધિઓ ચૂંટાય છે. મહારાષ્ટ્રમાં હાલ અમલમાં આવેલી પદ્ધતિ મુજબ, દરેક વોર્ડ જૂથમાંથી સામાન્ય રીતે ચાર કાઉન્સિલરો ચૂંટાશે. જોકે કેટલીક જગ્યાએ વોર્ડની રચના અને ઉમેદવારોની સંખ્યાના આધારે ત્રણ અથવા 5 સભ્યો પણ હોઈ શકે છે. આ માટે EVM મશીનો પણ એ પ્રમાણે સેટ કરવામાં આવે છે, જેથી મતદારને જેટલા સભ્યો ચૂંટવાના હોય એટલા મત આપી શકાય.

સરકારનો તર્ક શું છે?

રાજ્ય સરકારનું કહેવું છે કે શહેરી વિસ્તારોમાં વસ્તી વધતી જઈ રહી છે અને વિકાસ કાર્ય પણ વધુ જટિલ બન્યું છે. એક જ કાઉન્સિલર પર વધુ જવાબદારી આવે છે, જેના કારણે કામમાં વિલંબ થાય છે. ચાર સભ્યોની વોર્ડ સિસ્ટમથી જવાબદારી વહેંચાશે, સ્થાનિક પ્રશ્નો ઝડપી ઉકેલાશે અને વિકાસ યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં આવશે. આ ઉપરાંત, ઉમેદવાર ચાર વોર્ડના જૂથમાં પ્રચાર કરી શકે છે અને ચૂંટાયા બાદ ચારેય વોર્ડમાં વિકાસ કાર્ય કરી શકે છે. મતદારોને પણ પોતાના વિસ્તાર ઉપરાંત આસપાસના વિસ્તારોના પ્રતિનિધિઓ પસંદ કરવાની તક મળે છે.

મુંબઈમાં આ સિસ્ટમ કેમ લાગુ નથી?

મુંબઈમાં વોર્ડનું કદ, વસ્તી અને વિસ્તાર અન્ય શહેરોની તુલનામાં ઘણો મોટો છે. અહીં બહુ-સભ્ય વોર્ડ સિસ્ટમ લાગુ કરવી પ્રશાસકીય રીતે મુશ્કેલ હોવાનું રાજ્ય સરકારે માન્યું છે. તેથી મુંબઈ માટે હાલ એક સભ્ય વોર્ડ સિસ્ટમ જ ચાલુ રાખવામાં આવી છે.

અગાઉ પણ બદલાતી રહી છે પદ્ધતિ

મહારાષ્ટ્રમાં વોર્ડ સિસ્ટમ ઘણી વખત બદલાઈ છે. 2001માં ત્રણ સભ્યોની સિસ્ટમ આવી, પછી નાબૂદ થઈ. 2011, 2016 અને 2019માં અલગ-અલગ સરકારોએ બે, ત્રણ અને ચાર સભ્યોની પદ્ધતિમાં ફેરફાર કર્યા. છેલ્લે માર્ચ 2024માં એકનાથ શિંદે સરકાર દ્વારા ફરીથી ચાર સભ્યોની વોર્ડ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી.

આ પણ વાંચો : Karnatakaમાં ચાઇનીઝ દોરીનો કહેર, બાઇકરનું ગળું કપાયું, પુત્રીને અંતિમ ફોન બાદ મોત