સંસદમાં ડિલિમિટેશન બિલ રજૂ કરવા માટે મોદી સરકાર સંપૂર્ણપણે તૈયાર છે. બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર છે, પરંતુ સરકારનો દાવો છે કે તે આ આંકડા કરતાં વધુ સમર્થન મેળવી લેશે. અગાઉ એપ્રિલમાં આ બિલ સંસદમાં રજૂ થઈ શક્યું નહોતું. જોકે, ત્યારથી થોડા મહિનામાં જ રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ છે અને હવે એમ.કે. સ્ટાલિનની DMK તથા શરદ પવારની NCP (SP)એ બિલને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. આ બિલ પસાર થાય તો લોકસભાની બેઠકોની સંખ્યા 543થી વધીને 816 થઈ શકે છે. અગાઉની મતદાન પ્રક્રિયા દરમિયાન શરદ પવાર અને સ્ટાલિનની પાર્ટીઓએ બિલનો વિરોધ કર્યો હતો પરંતુ માત્ર સાત મહિનામાં એવું શું બદલાયું કે બંને પક્ષો હવે સમર્થન આપવા તૈયાર થયા છે?
DMK સાથે સરકારની એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી સરકારે લગભગ એક વર્ષ પહેલાંથી જ DMK સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. જોકે, એપ્રિલ-મેમાં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી DMKના વલણમાં નરમાશ આવી નહોતી.એપ્રિલમાં બિલ રજૂ થવાના પહેલાં જ સરકારે DMKની માંગણીઓ પૂરી કરવા તૈયાર હોવાનું સંકેત આપ્યો હતો. દરેક રાજ્યમાં 50 ટકા બેઠકો વધારવાની દરખાસ્ત હતી, જેથી તમિલનાડુની બેઠકોના પ્રમાણમાં ઘટાડો ન થાય. તેમ છતાં, ચૂંટણીનું વર્ષ હોવાથી DMKએ બિલનો વિરોધ ચાલુ રાખ્યો હતો. સ્ટાલિને તમિલનાડુ વિધાનસભામાં ડિલિમિટેશન બિલ સામે ઠરાવ પણ પસાર કરાવ્યો હતો અને પ્રતીકાત્મક વિરોધરૂપે બિલની નકલ ફાડી હતી.
ચૂંટણીના પરિણામો બાદ DMKનું રાજકીય સમીકરણ બદલાયું
જોકે, વિધાનસભા ચૂંટણીનાં પરિણામો અને ત્યારબાદ રાજ્યમાં રચાયેલા નવા ગઠબંધને DMKના વલણમાં ફેરફાર લાવ્યો હોવાનું કહેવાય છે. DMK ચૂંટણીમાં હારી ગઈ અને થલપતિ વિજયની નવી પાર્ટી TVK રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી. TVKને 108 બેઠકો મળી હતી, જ્યારે DMK માત્ર 54 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ કોંગ્રેસે DMKનો સાથ છોડીને વિજય સાથે સરકાર રચી હતી. લગભગ 60 વર્ષ બાદ કોંગ્રેસને રાજ્યમાં મંત્રીપદ મળ્યું હતું. કોંગ્રેસના ગઠબંધન છોડવાના નિર્ણયથી DMK નારાજ થઈ હતી અને તેણે કોંગ્રેસ પર પીઠમાં છરો ભોંકવાનો આરોપ લગાવ્યો હતો.DMKએ લોકસભાના સ્પીકરને પત્ર લખીને પોતાના સાંસદોને INDIA ગઠબંધનના સાંસદોથી અલગ બેસાડવાની માગણી પણ કરી હતી.
DMKના વિરોધ વચ્ચે બિલને JPCમાં મોકલવામાં આવ્યું
મોન્સૂન સત્ર દરમિયાન પણ સરકારે બંને પક્ષો સાથે સંવાદ જાળવી રાખ્યો હતો. સરકાર તે સમયે વન નેશન, વન ઇલેક્શન, શિક્ષણ સંબંધિત બિલ અને FCRA સંબંધિત બિલ સહિત અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી હતી.સરકારનો ઇરાદો FCRA બિલને મોન્સૂન સત્રમાં જ પસાર કરાવવાનો હતો. જોકે, સરકારે કેટલીક બિલોને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં મોકલવાની પ્રક્રિયા આગળ વધારી હતી અને સમિતિમાં રહેલા કેટલાક બિલોની સમયમર્યાદા પણ વધારી હતી. DMK અને NCP (SP)એ આ બિલોનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને FCRA બિલ સામે DMKએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર અને વિરોધી પક્ષો વચ્ચેના રાજકીય સમીકરણો તથા સંવાદના ભાગરૂપે કેટલાક બિલોને JPCમાં મોકલીને આગળની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. આ દરમિયાન સરકાર ડિલિમિટેશન બિલ માટે સમર્થન મેળવવા પ્રયાસ કરી રહી હતી અને સરકારના વરિષ્ઠ મંત્રીઓ DMKના સતત સંપર્કમાં હતા.
શરદ પવાર સાથે PM મોદીની વાતચીત
બીજી તરફ, સરકાર શરદ પવાર સાથે પણ સતત વાતચીત કરી રહી હતી. ઓગસ્ટ મહિનામાં શરદ પવાર પોતાના પક્ષના સાંસદો સાથે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. 10 ઓગસ્ટે યોજાયેલી આ બેઠકનો મુખ્ય મુદ્દો મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ હોવાનું જણાવાયું હતું, પરંતુ આ મુલાકાતથી સરકાર અને શરદ પવાર વચ્ચે સંવાદ ચાલી રહ્યો હોવાના સંકેતો મળ્યા હતા.બાદમાં શરદ પવાર બીમાર પડ્યા અને હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે વડાપ્રધાન મોદીએ ફોન કરીને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાતચીત દરમિયાન વડાપ્રધાને શરદ પવારને આરામ કરવાની સલાહ આપી હતી અને દેશના મુદ્દાઓ પર તેઓ તથા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સાથે મળીને કામ કરી શકે તેવો સંકેત આપ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે સુપ્રિયા સુલેને ટૂંક સમયમાં મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે તેવી અટકળો પણ શરૂ થઈ હતી. આ તમામ રાજકીય ઘટનાક્રમ વચ્ચે NCP (SP) પણ ડિલિમિટેશન બિલને સમર્થન આપવા તૈયાર થઈ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ Delimitation Bill : રાહુલ ગાંધીએ કહ્યું DMKના મનમાં શું છે ખબર નથી, બિલને સમર્થન સિવાય બીજો રસ્તો નથીઃ સ્ટાલિન