ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાઈ રહ્યું છે. જાપાનના રક્ષામંત્રી શિંજિરો કોઈઝુમી પોતાની પ્રથમ ભારત મુલાકાતે છે. તેઓ 20 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ સાધનો અને ડિફેન્સ ટેક્નોલોજીમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થવાની શક્યતા છે.

હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓ અને દરિયાઈ સુરક્ષાને લઈને ચિંતાઓ વચ્ચે બંને દેશોના રક્ષામંત્રીઓની આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત અને જાપાન હિંદ-પ્રશાંત ક્ષેત્રને મુક્ત, સુરક્ષિત અને સ્થિર રાખવા માટે સહયોગ વધારવા માગે છે.

દરિયાઈ સુરક્ષા પર ખાસ ફોકસ

બંને દેશો માટે દરિયાઈ માર્ગો મહત્વપૂર્ણ છે, કારણ કે બંને દેશોનો મોટો વેપાર દરિયાઈ માર્ગે થાય છે. બેઠકમાં દરિયાઈ સુરક્ષા ઉપરાંત સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવા અંગે પણ ચર્ચા થઈ શકે છે. ભારત 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ દેશમાં જ સંરક્ષણ સાધનોનું ઉત્પાદન વધારવા પર ભાર આપી રહ્યું છે. જાપાન સાથે ટેક્નોલોજી શેરિંગ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં સહયોગ ભારત માટે મહત્વપૂર્ણ બની શકે છે.

મુંબઈમાં ભારતીય નૌસેનાની તાકાત નિહાળી

નવી દિલ્હીમાં રાજનાથ સિંહ સાથેની મુલાકાતના એક દિવસ પહેલા 19 ઓગસ્ટે શિંજિરો કોઈઝુમીએ મુંબઈ સ્થિત વેસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ભારતીય નૌસેનાની કામગીરી તથા ક્ષમતાની માહિતી મેળવી.

વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂતી મળવાની અપેક્ષા

જાપાનના રક્ષામંત્રીએ ભારતીય નૌસેનાના જવાનોની સલામી લીધી અને નૌસેનાની ગોદીમાં આવેલા 'ગૌરવ સ્તંભ' પર પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સ્વદેશી યુદ્ધજહાજ 'INS Chennai'ની પણ મુલાકાત લીધી હતી. ભારત અને જાપાન છેલ્લા કેટલાક વર્ષોથી સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધારી રહ્યા છે. કોઈઝુમીની ભારત મુલાકાતથી બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : Balochistan Ultimatum: 'લશ્કર હટાવો, હથિયારો પણ છોડો', રિપબ્લિક ઓફ બલુચિસ્તાનનું પાકિસ્તાનને ખુલ્લું અલ્ટીમેટમ