નેપાળમાં આવેલી ભયંકર પૂર હોનારત બાદ બચાવ કામગીરી સતત ચાલુ છે. તાજેતરમાં 21 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યા છે. આ તમામ લોકો તમિલનાડુના યાત્રાળુઓ છે, જેઓ હવે દિલ્હીથી સીધા જ પોતાના વતન તમિલનાડુ જવા રવાના થશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે દિલ્હીના IGI એરપોર્ટ પર આ રેસ્ક્યુ કરાયેલા લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે વાતચીત કરીને હિંમત આપી હતી.
પાવર પ્રોજેક્ટ અને ચીન બોર્ડરથી રેસ્ક્યુ કામગીરી
વિદેશ મંત્રાલય (MEA) દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ આફત અંગે મહત્વની અપડેટ આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેપાળના 'ત્રિશુલી વન જળવિદ્યુત પરિયોજના' (હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ) પર કામ કરી રહેલા 63 ભારતીયોને ગઈકાલે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ચીન તરફ ફસાયેલા 96 ભારતીય નાગરિકો પણ સુરક્ષિત રીતે નેપાળ પહોંચી ગયા છે અને હવે તેમને વહેલી તકે ભારત લાવવા માટેના સઘન પ્રયાસો ચાલી રહ્યા છે.
