અમેરિકાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર લોસ એન્જલસમાં મેયર ચૂંટણીનાં પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. કેરળમાં જન્મેલા ભારતીય મૂળનાં નેતા નિત્યા રમન મેયર ચૂંટણીમાં વિજયી થતાં જોવા મળી રહ્યાં છે. Decision Desk HQના પ્રોજેક્શન મુજબ, તેમણે વર્તમાન મેયર કેરેન બાસને પાછળ છોડી દીધાં છે.
ઉપલબ્ધ આંકડા પ્રમાણે, નિત્યા રમનને 51.1 ટકા અને કેરેન બાસને 48.33 ટકા મત મળ્યા છે. શરૂઆતમાં કેરેન બાસ આગળ હતાં. મંગળવારે રાત્રે મતગણતરીના પ્રારંભિક આંકડામાં તેમનું પલડું ભારે હતું, પરંતુ બુધવારે નવા મતના આંકડા સામે આવતાં નિત્યા રમને સરસાઈ મેળવી લીધી હતી.
5 નવેમ્બરે Decision Desk HQએ તેમની જીતનું પ્રોજેક્શન જાહેર કર્યું હતું. બીજી તરફ, આ ચૂંટણીમાં અબજોપતિ એલન મસ્કનો દાવ ઊંધો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કોણ છે નિત્યા રમન અને તેમની જીત કેમ છે મહત્વપૂર્ણ?
નિત્યા રમનનો જન્મ 1981માં કેરળમાં થયો હતો. તેઓ છ વર્ષની ઉંમરે માતા-પિતા સાથે અમેરિકા ગયાં હતાં. 22 વર્ષની ઉંમરે તેમને અમેરિકાની નાગરિકતા મળી હતી. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT)માંથી અર્બન પ્લાનિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.
રાજકારણમાં પ્રવેશતાં પહેલાં નિત્યા રમને શહેરોની પાયાની સુવિધાઓ અને લોકોની જરૂરિયાતો પર કામ કર્યું હતું. તેમણે ચેન્નાઈમાં 'ટ્રાન્સપરન્ટ ચેન્નાઈ' નામની સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થા સફાઈ, જાહેર સેવાઓ અને શહેરી વ્યવસ્થામાં સુધારો લાવવા માટે કામ કરતી હતી.
2013માં લોસ એન્જલસ ગયા બાદ તેમણે શહેરના વહીવટી અધિકારીઓ સાથે કામ કર્યું હતું. ઉપરાંત, બેઘર લોકોને મદદ કરવા માટે SELAH Neighborhood Homeless Coalitionની સહ-સ્થાપના કરી હતી. તેઓ Time's Up Entertainmentનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ રહી ચૂક્યાં છે.
2020માં તેમણે લોસ એન્જલસ સિટી કાઉન્સિલની ચૂંટણી જીતી હતી. આ સાથે તેઓ શહેરની કાઉન્સિલમાં પહોંચનારાં પ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા બન્યાં હતાં. 2024માં તેઓ ફરી ચૂંટાયાં હતાં. હવે મેયર ચૂંટણીમાં જીત બાદ તેઓ લોસ એન્જલસનાં પ્રથમ ભારતીય-અમેરિકન અને દક્ષિણ એશિયાઈ મૂળનાં મેયર બનવા જઈ રહ્યાં છે. 2005 પછી પહેલીવાર કોઈ પડકારીએ વર્તમાન મેયરને ચૂંટણીમાં હરાવ્યાં છે.
શહેરના કયા મુદ્દાઓ પર નિત્યા રમનનો રહ્યો છે ભાર?
નિત્યા રમનની રાજનીતિનો મોટો હિસ્સો સામાન્ય લોકોની રોજિંદી સમસ્યાઓ સાથે જોડાયેલો રહ્યો છે. તેમના મુખ્ય મુદ્દાઓમાં સસ્તાં મકાનો, ભાડૂતોના અધિકારો, બેઘર લોકોની સમસ્યા અને શહેરની પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે. લોસ એન્જલસમાં મકાનોની વધતી કિંમતો અને મોટી સંખ્યામાં લોકોનું રસ્તા પર રહેવું લાંબા સમયથી પડકારરૂપ બન્યું છે.
નિત્યા રમને સસ્તાં મકાનોની સંખ્યા વધારવા, ભાડૂતોને સુરક્ષા આપવા અને બેઘર લોકોને જરૂરી સેવાઓ પૂરી પાડવા પર ભાર મૂક્યો છે. રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ અને સ્થાનિક સુવિધાઓમાં સુધારો કરવો પણ તેમના એજન્ડામાં સામેલ છે.
તેમની જીતને અમેરિકાનાં મોટાં શહેરોમાં પ્રગતિશીલ રાજનીતિના વધતા પ્રભાવ તરીકે પણ જોવામાં આવી રહી છે. ન્યૂયોર્કમાં ઝોહરાન મમદાનીની જીત બાદ લોસ એન્જલસમાં નિત્યા રમનની જીતથી આ રાજકીય પરિવર્તનની ચર્ચા વધુ તેજ બની છે. નિત્યા રમન Democratic Socialists of America (DSA) સાથે જોડાયેલાં રહ્યાં છે. આ સંગઠન એવી નીતિઓનું સમર્થન કરે છે, જેમાં આવાસ, આરોગ્ય, જાહેર સેવાઓ અને કામદારોના અધિકારો માટે સરકારની મોટી ભૂમિકા હોય.
એલન મસ્કનો ચૂંટણીમાં દાવ નિષ્ફળ, કંપનીઓ પર પણ અસર?
નિત્યા રમનની જીતની સાથે એલન મસ્કના ચૂંટણી સંબંધિત દાવ અને તેમના વ્યાવસાયિક હિતોની પણ ચર્ચા થઈ રહી છે. મસ્કે રિપબ્લિકન ઉમેદવારોના સમર્થનમાં અંદાજે 44.5થી 47.4 કરોડ ડોલર ખર્ચ્યા હતા. કોઈ બિનઉમેદવાર દ્વારા એક ચૂંટણી ચક્રમાં કરવામાં આવેલો આ સૌથી મોટો ખર્ચ હોવાનું જણાવાયું છે. આમાંથી માત્ર ટેક્સાસની સેનેટ ચૂંટણીમાં અંદાજે 20થી 23 કરોડ ડોલર ખર્ચવામાં આવ્યા હતા.
જોકે, મસ્કના ઘણા મોટા ચૂંટણી દાવ સફળ રહ્યા નહોતા. ચૂંટણીનાં પરિણામો બાદ તેમણે 'Vote red today'વાળી પોસ્ટ પણ હટાવી દીધી હતી. ત્યારબાદ મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે, 'લાગે છે કે આ વખતે ચૂંટણીમાં દખલ કરવાની મારી સ્પેસ લેસર કામ ન આવી.'
આ દરમિયાન ટેસ્લા અને સ્પેસએક્સના શેરમાં ઘટાડો તથા મસ્કની સંપત્તિમાં ઘટાડાના અહેવાલો પણ સામે આવ્યા છે. ટેક્સાસમાં મસ્કની કંપનીઓના વ્યાવસાયિક હિતો અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યાંનાં નવાં ડેમોક્રેટિક ગવર્નર જીના હિનોજોસા ડેટા સેન્ટરો પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાની વાત કરી ચૂક્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં મળતી ટેક્સ છૂટ અને સ્ટારલિંકને આપવામાં આવેલી ગ્રાન્ટની તપાસ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
