વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિવિધ વૈશ્વિક કંપનીઓના ટોચના અધિકારીઓ (CEO) સાથે મુલાકાત કરી અને ભારતમાં રોકાણની તકો તથા વિસ્તરણ યોજનાઓ અંગે ચર્ચા કરી. મુલાકાતમાં ટકાઉ નિર્માણ, પરિવહન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.
PMએ એલ્સટોમ કંપનીના CEO માર્ટિન સિયોન સાથે પણ મુલાકાત કરી
વડાપ્રધાન સાથે મળેલા CEO વિવિધ ક્ષેત્રોની કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પીએમ મોદીએ ફ્રાંસની મુલાકાત દરમિયાન સેન્ટ-ગોબેનના ચેરમેન અને CEO બેનોઇત બજિન સાથે મુલાકાત કરી હતી, જેમાં ટકાઉ બાંધકામ સામગ્રી ક્ષેત્રમાં રોકાણની તકો પર ચર્ચા થઈ હતી. બજિને ભારતમાં રોકાણ વધારવા અને વિસ્તરણ કરવાની યોજનાઓ પણ રજૂ કરી.
પીએમ મોદીએ એલ્સટોમ કંપનીના CEO માર્ટિન સિયોન સાથે પણ મુલાકાત કરી અને પરિવહન તથા રેલવે આધુનિકીકરણ સંબંધિત તકો પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે એલ્સટોમનું ભારતમાં મહત્વપૂર્ણ રોકાણ અને મેન્યુફેક્ચરિંગ હાજરી રોજગાર સર્જન અને રેલવે ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
મિસ્ટ્રલ AIના સહ-સ્થાપક અને CEO આર્થર મેન્શ સાથે પણ મુલાકાત કરી
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મિસ્ટ્રલ AIના સહ-સ્થાપક અને CEO આર્થર મેન્શ સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન ભારતમાં ઝડપથી વિકસતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં સહકારની તકો પર ચર્ચા કરવામાં આવી. મેન્શે ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરીને નવીનતા અને AI ક્ષમતાઓ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી.
આ પહેલાં G7 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત થઈ હતી. લગભગ 16 મહિના બાદ થયેલી આ મુલાકાતમાં બંને નેતાઓએ ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને પોતાના લાંબા સમયના મિત્ર ગણાવી તેમની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો : Iran US Deal: અમેરિકા પર મોટી જીત, હવે વાસ્તવિક જેહાદ શરૂ થશે, ખોમેનીના પૌત્રએ ઈરાનથી કરી મોટી જાહેરાત