વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાડી ક્ષેત્રમાં વધતી અસુરક્ષા વચ્ચે ઓમાન અને કુવેતના નેતાઓ સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ ચર્ચા કરી છે. તાજેતરમાં બંને દેશોમાં થયેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને સંવેદના વ્યક્ત કરી છે.

https://twitter.com/ANI/status/2028796027864838554


બંને દેશો પર થયેલા હુમલા સંદેર્ભે દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન મોદીએ ઓમાનના સુલતાન સાથે ફોન પર વાતચીત કરી. ચર્ચા દરમિયાન તેમણે ઓમાનમાં થયેલા હુમલાઓ અંગે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ભારત ઓમાન સાથે એકતા દર્શાવે છે. બંને નેતાઓએ ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સાથે જ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ.

ભારતીય સમુદાયની સુરક્ષા સંદર્ભે પણ કરી ચર્ચા

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કુવેતના ક્રાઉન પ્રિન્સ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી. તેમણે કુવેતમાં થયેલા હુમલાઓની નિંદા કરી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. બંને નેતાઓએ આતંકવાદ અને હિંસાના દરેક સ્વરૂપ સામે મળીને લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ચર્ચા દરમિયાન ભારતીય સમુદાયની સુરક્ષા પણ મહત્વનો મુદ્દો રહ્યો.

બંને દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો કાર્યરત

વડાપ્રધાન મોદીએ બંને દેશોના નેતાઓને વિનંતી કરી કે ત્યાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવામાં આવે. ઓમાન અને કુવેત બંને દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો કાર્યરત છે, જેથી તેમની સુરક્ષા ભારત માટે પ્રાથમિકતા છે. આ વાતચીતથી સ્પષ્ટ થાય છે કે ભારત ખાડી દેશો સાથેના પોતાના ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને અત્યંત મહત્વ આપે છે અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો : Iranના આ દેશ પર કહેર વર્તાવી રહ્યું છે ઈઝરાયેલ, 160 જગ્યાઓ પર કર્યો મિસાઈલથી હુમલો