વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ડિસેમ્બર મહિનામાં અમેરિકા અને કેનેડાની મહત્વપૂર્ણ મુલાકાતે જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ડિસેમ્બરમાં અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી ત્યાં જઈ શકે છે. આ G20 નેતાઓની સમિટ મિયામીના 'ટ્રમ્પ નેશનલ ડોરલ' ખાતે 14 અને 15 ડિસેમ્બરે યોજાવાની છે, જેનું આયોજન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવશે. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે પણ આ મુલાકાત અંગે સંકેત આપ્યા છે. જોકે, ભારતના વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અમેરિકા મુલાકાત અને ક્વાડ સમિટની સંભાવના

જો પીએમ મોદી ફ્લોરિડાની મુલાકાત લે છે, તો તેમની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાવાની પણ પૂરી સંભાવના છે. આ ઉપરાંત, G20 સમિટ દરમિયાન જ 'ક્વાડ' (QUAD) દેશોની સમિટ યોજવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની છેલ્લી અમેરિકા મુલાકાત ફેબ્રુઆરી ૨૦૨૫માં થઈ હતી, જ્યારે 13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીમાં તેમનું સ્વાગત કર્યું હતું.

કેનેડાની મુલાકાત અને વેપાર કરારના એજન્ડા

અમેરિકાની મુલાકાત બાદ પીએમ મોદી કેનેડાની પણ સત્તાવાર મુલાકાતે જાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું છે કે તેમની માહિતી મુજબ પીએમ મોદી G20 ની આસપાસ કેનેડાની મુલાકાત લેશે, જોકે તારીખો હજુ નક્કી થઈ નથી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અટવાયેલા વેપાર કરારોને આખરી ઓપ આપવાના પ્રયાસો કરવામાં આવશે.

યુએનજીએ (UNGA) માં એસ. જયશંકરનું પ્રતિનિધિત્વ

બીજી બાજુ, હાલમાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) નું 81મું સત્ર ચાલી રહ્યું છે, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી નથી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી એસ. જયશંકર કરી રહ્યા છે. તેઓ 26 સપ્ટેમ્બરે મહાસભાને સંબોધિત કરશે અને આ દરમિયાન વિશ્વના અન્ય નેતાઓ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે.

આ પણ વાંચોઃ Delhi: PM મોદીનું ‘મહામંથન’! 23-24 સપ્ટેમ્બરે મંત્રીઓ સાથે બેઠક, 2047ના રોડમેપ પર થશે મંથન