વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કા હેઠળ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશકંદ પહોંચ્યા છે. એરપોર્ટ પર ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવે તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીનો ઉઝબેકિસ્તાનનો આ ચોથો પ્રવાસ છે. પ્રવાસ દરમિયાન બંને નેતાઓ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરશે.
બે દિવસ રોકાશે વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી ઉઝબેકિસ્તાનમાં બે દિવસ રોકાશે. આ દરમિયાન વેપાર અને રોકાણ વધારવા ઉપરાંત ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રે સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા થવાની છે. બંને દેશો વચ્ચે આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પર પણ ભાર મૂકવામાં આવશે. પ્રવાસ પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ સાથે વેપાર અને રોકાણમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરવા આતુર છે. બંને દેશોની વિકાસલક્ષી વિચારધારામાં ‘વિકસિત ભારત’ અને ‘નવું ઉઝબેકિસ્તાન’ જેવા લક્ષ્યોને આગળ વધારવા પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
https://twitter.com/ANI/status/2093706335280095535
ઐતિહાસિક સંબંધોને પણ મળશે મહત્વ
તાશકંદ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ યાંગી ઉઝબેકિસ્તાન પાર્કની મુલાકાત લીધી અને સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ પણ હાજર રહ્યા હતા. મોદી તાશકંદમાં શાસ્ત્રી સ્મારકની મુલાકાત લેવાના છે. તેઓ તાશકંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ સ્થિત મહાત્મા ગાંધી સેન્ટરની પણ મુલાકાત લેશે.
વ્યૂહાત્મક સંબંધોને વધુ વેગ મળવાની અપેક્ષા
ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનું પણ આ પ્રવાસનું મહત્વનું પાસું છે. બંને દેશો લોકો વચ્ચેના સંપર્કને વધારવા પર પણ ભાર આપી રહ્યા છે. ઉઝબેકિસ્તાનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી કિર્ગિઝ ગણરાજ્યની રાજધાની બિશ્કેક જશે. ત્યાં તેઓ રાષ્ટ્રપતિ સદર જાપારોવના આમંત્રણ પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના 26મા શિખર સંમેલનમાં ભાગ લેશે. આ પ્રવાસથી મધ્ય એશિયાના દેશો સાથે ભારતના રાજદ્વારી, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ વેગ મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : Uttarakhand Disaster Threat: નેપાળ જેવી તબાહીનો ખતરો ઉત્તરાખંડ પર, જાણો કટોકટીની તૈયારીઓ