તાજેતરમાં બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠકને લઈને ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ચીની સમક્ષ ભારતની ચિંતાઓને ખુલ્લીને મૂકી હતી અને જણાવ્યું હતું કે બંને દેશોએ પરસ્પર સંબંધો સુધારવા માટે એકબીજાની મુખ્ય ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ બનવું પડશે.

સરહદી શાંતિ જ સંબંધોનો પાયો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને પાટા પર લાવવા માટે સરહદ પર શાંતિ અને સ્થિરતા હોવી સૌથી પહેલી શરત છે. બંને રાષ્ટ્રોએ 'પરસ્પર આદર, પરસ્પર હિત અને પરસ્પર સંવેદનશીલતા' ના ત્રણ મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. સરહદી તણાવ ઓછો થાય તે બંને દેશોના હિતમાં છે.

તિબેટ અને તાઇવાન અંગે ભારતનું સંતુલિત વલણ

ચીન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં તિબેટ અને તાઇવાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારતની પરંપરાગત નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. ભારત સરકાર માને છે કે તાઇવાન સાથે વેપાર, શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવો જોઈએ. બીજી તરફ, તિબેટ બાબતે ભારત 2003ના કરાર મુજબ તેને ચીનનો ભાગ માને છે અને ભારતીય ધરતી પર કોઈપણ ચીન વિરોધી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવતી નથી.

સ્વતંત્ર વિદેશ નીતિ અને રાજદ્વારી સ્થિતિ

ચીની નિવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ હતો કે ભારત એક સ્વતંત્ર વિદેશ નીતિ ધરાવે છે અને ચીન પ્રત્યેનો ભારતનો અભિગમ કોઈ ત્રીજા દેશથી પ્રભાવિત નથી. જોકે, ભારતે આ બેઠક બાદ પોતાના સત્તાવાર નિવેદનમાં ચીનની "મિત્ર, હરીફ નહીં" જેવી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે, જે દર્શાવે છે કે ભારત વાસ્તવિક જમીની હકીકતોને ધ્યાનમાં રાખીને ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધી રહ્યું છે. અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીની સમકક્ષ વાંગ યી વચ્ચેની વાતચીતમાં પણ સાર્વભૌમત્વ અને સરહદી મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ  PM મોદીને મળેલી ભેટો ખરીદવાની સોનેરી તક, 17 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રક્રિયા, જાણો કેવી રીતે?